માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યૂ:ધ્રાંગધ્રાના દુદાપુર ગામે અઢી વર્ષનું બાળક 500 ફૂટના બોરમાં પડી ગયું, તંત્રએ મધરાતે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • વાડીમાં રમતાં રમતાં બાળક બોરવેલમાં પડી ગયું હતું
  • ધ્રાંગધ્રા આર્મીની ટીમે બાળકને સલામત બહાર કાઢ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું
ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

બાળક 30 ફૂટ પર સલવાયું હતું
ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ આ માસૂમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યું હતું. જ્યાં ઓક્સિજન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલન‍ા ડોક્ટરોએ જણાવ્યું છે.

પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે
ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ, જેની ઉંમર અંદાજિત બે વર્ષ જેટલી છે. તે રમતાં રમતાં બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતાં ત્યાં મજૂરીકામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી.

બાળકને નવજીવન મળ્યું
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બાળક શિવમના પિતા મુન્નાભાઇએ જણાવ્યું હતું કે, અમે અહી 20 દિવસ પહેલાં વાડીએ કામ કરવા આવ્યા હતા. હું વાડીમાં મજૂરીકામ કરી રહ્યો હતો. મારી પત્ની રસોઇ બનાવી રહી હતી અને મારો દીકરો શિવમ બહાર રમી રહ્યો હતો. રમતાં રમતાં તે ઊંડા બોરવેલમાં પડી જતાં એનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. મેં ભાગીને જોયું તો બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. આથી હાંફળી-ફાંફળી બનેલી મારી પત્નીએ શેઠને વાત કરતાં બાદમાં આર્મી સહિતના લોકો આવી જતાં મારા બાળકને નવું જીવન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...