સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આજે વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેથી શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ધ્રાંગધ્રાનાં મુખ્ય બજારો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ધ્રાંગધ્રા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી વેપારીવર્ગ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.
અનેક જગ્યાએ ગોઠણસમા પાણી ભરાતાં લોકો પરેશાન
ધ્રાંગધ્રામાં વહેલી સવારે આવેલા ધોધમાર વરસાદથી ધ્રાંગધ્રાના મુખ્ય બજાર, રાજકમલ ચોક, શક્તિ ચોક, જૂની શાક માર્કેટ, દરિયાલાલ મંદિર, વાડીલાલ આઈસક્રીમ ઝાલા રોડ વગેરે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અનેક જગ્યાએ ગોઠણસમા પાણી ભરાયાં હતાં. રસ્તા પર વરસાદી પાણીને કારણે અનેક વાહનચાલકોનાં વાહનો પણ બંધ થઈ ગયાં હતાં, જેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદ બંધ થયાને 3 કલાક બાદ પણ ચારેબાજુ વરસાદી પાણી
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પાછળ કરોડો રૂ.નો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ગટરની યોગ્ય સફાઈ કે પ્રી-મોન્સૂન કામગીરી ન કરવામાં આવતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેથી લોકો પરેશાન થઇ ગયા હતા. આજે ધ્રાંગધ્રામાં વહેલી સવારથી જ મેઘતાંડવ શરૂ થયું હતું તેમજ વરસાદ બંધ થયાને 3 કલાક બાદ પણ ચારેબાજુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. ધ્રાંગધ્રાના શહેરીજનોને બજારમાં જવા આવવા કે દુકાનદારોને પોતાની દુકાને જવા માટે ખૂબ મુશ્કેલી પડી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના લખતરમાં બે સપ્તાહના વિરામ બાદ ગઈકાલે ફરી મેઘમહેર થઈ હતી. લખતરમાં બે કલાકમાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.