તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકટ પરિસ્થિતિ:હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું, રસ્તા પર નદી વહેતી હોય તેવા માહોલમાં માલધારીનાં ઘેટાં તણાયાં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું, રસ્તા પર નદી વહેતી હોય તેવા માહોલમાં માલધારીનાં ઘેટાં તણાયાં.
  • ફલકું નદી અને બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાયું
  • સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું

હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટયું હોય એવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતાં પળવારમાં ગામમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતાં સાંજે પરત ફરી રહેલા બે માલધારીનાં ઘેટાં- બકરાં પણ તણાઈ ગયાં હતાં. જોકે સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.

માનવ સાંકળ રચી ઘેટાં-બકરાં બચાવી લીધાં
હળવદ તાલુકા મથકેથી 18 કિલોમીટર દૂર બ્રાહ્મણી નદી અને ફલકું નદીના કાંઠે વસેલા ચિત્રોડી ગામમાં સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતાં આભ ફાટયું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ચાલુ થઈ જતાં સીમમાંથી પરત ફરી રહેલા કાળુભાઇ ભરવાડ અને વેલાભાઈ ભરવાડના 25થી 30 જેટલાં ઘેટાં પાણીના પ્રવાહમાં તણાવા લાગતાં ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી માનવ સાંકળ રચી એને બચાવી લીધાં હતાં.

ઘટનાથી સરકારી તંત્ર હજુ અજાણ જ હોવાનું સામે આવ્યું
આશ્ચર્યજનક બાબત તો એ છે કે હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઈ જાણકારી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. એ જ રીતે તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હોઈ આભ ફાટવાની ઘટનાથી સરકારી તંત્ર હજુ અજાણ જ હોવાનું સામે આવ્યું છે.

હળવદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી
દરમિયાન ચિત્રોડી ગામના સરપંચ રમેશભાઈ રૂદાતલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આવો વરસાદ અમે ક્યારેય જોયો નથી. પળવારમાં જ ગામમાં પાણીના પ્રવાહ વહેવા લાગ્યા હતા અને ચિત્રોડી ગામ અલગ અલગ ત્રણ વિભાગમાં વહેંચાયેલું હોઈ બે ગામમાં જવાનો માર્ગ પણ ભારે વરસાદમાં તૂટી જવા પામ્યો છે. નોંધનીય છે કે બપોરના સમયે હળવદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી, ધાણા, જીરુંનો અંદાજે રૂપિયા 25 લાખ જેટલો જથ્થો પલાળી નાખ્યા બાદ સાંજના સુમારે હળવદના ચિત્રોડી ગામને મેઘરાજાએ રીતસર ધમરોળી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...