બાળા ગામમાં અરેરાટી:અન્ય ગુનામાં સમન્સ બજાવવા આવેલી પોલીસ જોઈ જુગારી તળાવમાં કૂદ્યા, 1 ડૂબ્યો

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાથી વઢવાણ તાલુકાના બાળા ગામમાં અરેરાટી ફેલાઈ
  • તળાવ પાસે જુગાર રમતા હતા, 45 મિનિટે મૃતદેહ બહાર કઢાયો

વઢવાણ તાલુકાના બાળા ગામે અન્ય ગુનામાં પોલીસ સમન્સ વોરંટ લઇને ગઇ હતી ત્યારે તળાવની પાળ નજીક જુગાર રમતા કેટલાક શખ્સો પોલીસને જોઈ ભાગ્યા હતા જ્યારે 3 જણા તળાવમાં કૂદ્યા હતા. તેમાંથી 1 યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું.

બાળા ગામે વઢવાણ પોલીસના બીટ જમાદાર સહિતની ટીમ કોઇ શખ્સના સમન્સ વોરંટની બજવણી કરવા શનિવારે ગયા હતા. દરમિયાન ગામમાં પોલીસ આવી હોવાની વાત સાંભળી તેમજ પોલીસ ધ્યાને આવતા ગામના તળાવની પાળની દિવાલની આજુબાજુના વિસ્તારમાં જુગાર રમતા કેટલાક શખ્સોમાં નાસભાગ મચી હતી. જેમાં 3 જેટલા શખ્સો તળાવમાં કૂદી પડ્યા હતા પરંતુ ગામનો જ એક યુવાન તળાવમાં ડૂબી ગયો હોવાની વાત ગામમાં ફેલાતાં ગામલોકો ટોળે વળ્યા હતા.અને ફાયરની ટીમે 45 મિનિટની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તરતાં આવડતું ન હોવાથી બાળા ગામના અને રેલવેના કર્મચારી 29 વર્ષીય મહેશ ઉર્ફે સંજયભાઈ સાગરભાઈ કોરડિયાનું મૃત્યુ થયું હતું. પરિણીત યુવાનનું મોત થતા પત્ની, દિકરા સહિત પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

તળાવ પાસે ભાગમભાગ થઈ ત્યારે સમન્સ બજાવવા ગયેલી પોલીસને ઘટનાની જાણ પણ નહોતી
વીલેજ બીટના જમાદાર અને ટીમ સમન્સ વોરંટ અને નોટીસની બજવણી માટે ગયા હતા. ગામમાં વચ્ચોવચ્ચ તળાવ આવેલુ છે. ત્યાં જાહેર જગ્યા છે દુકાનો ગલ્લાઓ પણ છે. ત્યારે પોલીસ આવી પોલીસ આવી તેવી વાત ફેલાતા પાળી ઉપરની સાઇડમાં જુગાર રમતા લોકોમાં ભાગમભાગ થઇ. ત્યારે શુ બન્યુ તેની પોલીસને ખબર નહોતી. પરંતુ ગામમાં અવારનવાર લોકલ બીટ જમાદાર કામગીરી માટે જતા હોય અને લોકો ઓળખતા હોય જેથી પાળીએ ચડીને જોઇને બે-ત્રણ જણા તળાવમાં પડયા અને બીજા આડાઅવળા ભાગી ગયા,એમાં એક જણાને તરતા આવડતુ ન હતુ અને બીજા બે જણાને તરતા આવડતુ હોવાથી તે તળાવના સામે કાંઠે નીકળી ગયા હતા. હાલ મૃતકની લાશના પીએમ માટેની તજવીજ ચાલુ છે. > ડી.ડી.ચુડાસમા, પીએસઆઈ