વિશ્વ આવાસ દિવસ:જિલ્લામાં 5 વર્ષમાં 9192નું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારની ‘વિશ્વ આવાસ દિન’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે સહાય ચૂકવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં કુલ 9192 આવાસોને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકીના 6487 આવાસ પૂર્ણ થઈ ચૂક્યા છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2015માં ભારત સરકારે ટકાઉ અને સસ્તા આવાસને પ્રોત્સાહન આપવા માટેની “પ્રધાનમંત્રી આવાસ યોજના” અમલીકૃત કરી હતી. આ યોજના અંતર્ગત, કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1.20 લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે. જ્યારે ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે રૂ. 1.30 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2016થી સપ્ટેમ્બર-2021 સુધીમાં એટલે કે છેલ્લા 5 વર્ષોમાં કુલ 9192 આવાસોને મંજૂરી આપવામાં આવી છે.

જે પૈકી વર્ષ 2016-17 અને 2017-18 દરમિયાન આવેલી અરજીઓમાંથી 6431 આવાસ, વર્ષ 2019-20 દરમિયાન 501 આવાસ, વર્ષ 2020-21 દરમિયાન 1992 આવાસ અને ચાલુ વર્ષ 2021-22 માટે અત્યાર સુધીમાં આવેલી અરજીઓમાંથી કુલ 268 અરજીઓને આવાસ મંજૂરી આપવામાં આવી હતી. આમ સરકાર દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોતાનું ઘરના ઘરનું સ્વપ્ન સાચા અર્થમાં પરિપૂર્ણ થાય તે માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...