એસટી નિગમ માટે ડિઝલના ભાવમાં પેટ્રોલિયમ કંપની દ્વારા વધારો કરી દેતાં રાજ્યની તમામ એસટી બસો ખાનગી પંપના ભરોસે છે. જિલ્લાના ચારેય ડેપોની એસટી બસોએ 26 દિવસમાં અંદાજે 2,83,400 લિટર ડિઝલ ભરાવતાં તંત્રને રૂ. 2,84,64,696નો ખર્ચ થયો હતો. જો આટલા દિવસોમાં આટલું જ ડિઝલ સરકારી પંપે ભરાવ્યું હોત તો રૂ. 3,23,07,600નો ખર્ચ થયો હોત. આમ 26 દિવસમાં તંત્રને રૂ.38,42,904ની બચત થઈ હતી.
સમગ્ર રાજ્યની એસટી બસો હાલ ખાનગી પંપના ભરોસે ડિઝલ ભરાવી રહી છે. કારણ કે 21 માર્ચે પેટ્રોલિયમ કંપનીએ નિગમને રૂ. 90.25 મળતા ડિઝલનો ભાવ લીટરે રૂ. 114 કરી દેવાતાં ભાવમાં રૂ. 23.75નો વધારો થયો છે. આથી નક્કી કરેલા ખાનગી પંપો ઉપરથી એસટી નિગમે ડિઝલ ભરાવવાના આદેશો કર્યો હતો. પરિણામે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા ડેપોમાંથી મુસાફરો માટે 166 બસો દોડાવીને સંચાલન કરાઈ રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગર ડેપોમાં 67માંથી 61 રૂટ એટલે કે 336 ટ્રીપ દોડાવાઈ રહી છે.
જિલ્લામાં ચારેય ડેપોની 800થી વધુ ટ્રીપનું સંચાલન થાય છે. જેના કારણે ચારેય ડેપોના પંપ પરથી ડિઝલ ભરાતું હતું પરંતુ 26 દિવસ ખાનગી પંપ પર દૈનિક અંદાજે 10,900 લીટર સાથે કુલ 2,83,400 લીટર ડિઝલ ભરાવતાં રૂ. 2,84,64,696નો ખર્ચ થયો હતો. જો આટલા જ દિવસોમાં સરકારી પંપો પર આ ડિઝલ ભરાવ્યુ હોત તો એસટીને રૂ. 3,23,07,600નો ખર્ચ થયો હોત. આમ તંત્રને અંદાજે રૂ. 38,42,904ની બચત થઇ હતી. આમ ચારેય ડેપોમાં દૈનિક રૂ. 12.42.600ની સામે ખાનગી પંપના ડિઝલના રૂ. 10,94,769ની સાથે રૂ. 1,47,831નો ખર્ચ ઓછો થઈ રહ્યો છે.
ઝાલાવાડના ચારેય ડેપોમાં કેટલી બસો અને અંદાજે દૈનિક ડિઝલનો ઉપાડ અને ખર્ચ
ડેપો | બસ | ડિઝલનો ઉપાડ | સરકારી પંપથી | ખાનગી પંપથી |
સુરેન્દ્રનગર | 67 | 4,500 | 5,13,000 | 4,51,980 |
ધ્રાંગધ્રા | 41 | 2,500 | 2,85,000 | 2,51,100 |
લીંબડી | 34 | 2,400 | 2,73,600 | 2,41,056 |
ચોટીલા | 24 | 1,500 | 1,71,000 | 1,50,660 |
કુલ | 166 | 10,900 | 12,42,600 | 10,94,796 |
ડિઝલના 26 દિવસમાં જ એક લીટરે રૂ. 9.3 વધતાં એસટી તંત્ર મૂંઝવણમાં
ડિઝલના 1 લીટરના 114ની સામે 21 માર્ચથી એસટી તંત્ર દ્વારા એસટી બસોમાં ખાનગી પંપો પર 1 લીટરના રૂ. 91.14ના ભાવે ભરાવવાનું શરૂ કર્યું હતું જેના કારણે લીટરે એસટી તંત્રને રૂ. 22.86નો ફાયદો થતો હતો પરંતુ દિવસે દિવસે ખાનગી પંપો પર ડિઝલના ભાવ વધતાં હાલ 1 લિટરના રૂ.100.44 પૈસા ચુકવવા પડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.