સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી અને પાટડીના વિસ્તારોમાં કુલ 13 કોરોના પોઝિટિવ કેસો આવ્યા હતા. આમ 3થી 8 જાન્યુઆરી છેલ્લાં 8 દિવસમાં જ કોરોના પોઝિટિવનો આંક 50 પર પહોંચી ગયો હતો. લખતર પંથકની 12 વર્ષની બાળાને શરદી-ઉધરસ થવાથી ટેસ્ટ કરાતા તે પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. અત્યાર સુધી આવેલા કોરોના પોઝિટીવમાં કેસમાં મોટા ભાગે બંને ડોઝ લીધો હોય તેવા લોકો કોરોના સંક્રમિત બન્યા હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય સહિત જિલ્લા તંત્ર પણ સતર્ક બની ગયું હતું.
જિલ્લામાં 11 ડિસેમ્બર-2021થી અત્યાર સુધીમાં કુલ 55 પોઝિટિવ કેસો ધ્યાને આવ્યા હતા. શનિવારે યોજાયેલી બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા કોવિડ ટેસ્ટિંગ, કોરોના સંક્રમિત દર્દીઓને કોરોન્ટાઇન કરવા, હોમ આઇસોલેશન તેમજ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ બાબતે ચર્ચા કરી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર એ.કે. ઔરંગાબાદકરે જણાવ્યું કે, જિલ્લામાં 20 ધનવંતરી રથ જરૂરી સાધનસામગ્રી અને દવાના જથ્થા સાથે શરૂ કરાયા છે.
તેમજ જિલ્લામાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલે જિલ્લામાં સંક્રમિત લોકો માટે હાથ ધરાયેલી કામગીરીની સાથે કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓની વિગતો આપી હતી.
શનિવારે 8395 લોકોએ રસી લીધી
તા. 8 જાન્યુઆરીને શનિવારના રોજ 64 કેન્દ્રો પર 8395 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે જિલ્લામાં 12,79,918 પ્રથમ અને 12,35,524 બીજા ડોઝ સાથે કુલ 25,15,442 લોકોનું રસીકરણ થયંુ હતું. અત્યાર સુધીમાં જિલ્લામાં 13,39,040 પુરૂષો અને 11,75,992 મહિલાઓએ કોવિશિલ્ડની 21,86,066 અને કોવેક્સિનના 3,31,376 ડોઝ લીધા હતા. જિલ્લાના 15-17ની ઉંમરના 47,867, 18-44 વયના 15,41,816, 45-60ની ઉંમરના 5,87,040 અને 60 થી ઉપરની વયના લોકોનો આંક 3,38,722 પર રહ્યો હતો.
બજારમાં પોલીસ દ્વારા બોર્ડ મૂકાયંુ
લખતર પોલીસ દ્વારા મેઈન બજારમાં જાહેર સૂચના માટે બોર્ડ મુકવામાં આવ્યું હતું. તેમજ વેપારીઓ અને મિત્રોને સાથે રાખી કોરોનાની જાગૃતિ માટે બહોળી પ્રસિદ્ધિ કરાવવામાં આવી હતી. અને શનિવારે માસ્ક અંગેના 8 દંડ ફટકારવામાં આવ્યા હતા.
ટેસ્ટિંગ, ટ્રેસિંગ, વેક્સિનેશન, માસ્ક અંગે ચેકિંગ હાથ ધરાયંુ
લખતર તાલુકામાં વધતા કોરોના કેસને લઇ પ્રભારી સચિવે અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનો કર્યા હતા.જેને લઇ તાલુકામાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, વેક્સિંનેશન, માસ્ક અંગે કડક ચેકિંગ સહિત કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 અને સદાદ ગામે 4 કેસ આવ્યા હતા. શુક્રવારે જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ ને લઇને અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઇ હતી. 119 લોકોની તપાસ કરી 7 લોકોના આરટીપીસીઆર ટેસ્ટિંગ કરાયા હતા. જેમાંથી કોઈ કોરોના પોઝિટિવ આવ્યું ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.