સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાના કપરા સમયમાં શહેરના મુખ્ય સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠી સતત ચાલુ રહેવાને કારણે બંધ પડી ગઇ હતી. જે અત્યાર સુધી બંધ હાલતમાં જ છે. ત્યારે પાલિકાએ તેને રીપેર કરવા માટે બોલાવેલી એજન્સીએ રીપેરિંગના એસ્ટિમેટનો ખર્ચ રૂ.24 લાખ જેટલો કહ્યો હતો. જ્યારે નવી ઇલેક્ટ્રિક ભઠ્ઠી રૂ.25 લાખમાં તૈયાર થઇ જાય છે. આમ સોના કરતા ઘડામણ મોઘું થઇ જવાનો ઘાટ સર્જાયો છે.
સુરેન્દ્રનગર શહેરમાં નદી કાંઠે શહેરનું મુખ્ય સ્મશાન આવેલું છે. પર્યાવરણને ધ્યાને રાખીને પાલિકા દ્વારા ત્યાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે. કોરોનાના સમયમાં શહેરમાં અનેક લોકોના મોત થયા હતા અને આથી જ શહેરની આ ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં દરરોજના 20થી 25 મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે લાવવા પડતા હતા. જેથી મોડી રાત સુધી ભઠ્ઠી ચાલુ રહેતી હતી.
સવારે હીટ પકડે તે માટે રાત્રે પણ આ ભઠ્ઠી ચાલુ રાખવી પડતી હતી. આમ 24 કલાક ભઠ્ઠી ચાલુ રહેવાને કારણે તેની ચીમની પણ બળી ગઇ હતી. અને ભઠ્ઠીમાં પણ ફોલ્ટ સર્જાતા વર્તમાન સમયે ભઠ્ઠી બંધ હાલતમાં પડી છે. આથી લોકોને નાછૂટકે લાકડાથી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવો પડે છે. આવા સમયે પાલિકાએ ભઠ્ઠી ચાલુ કરવા માટે પ્રયાસ કરીને એજન્સીનો સંપર્ક કર્યો હતો. જેમાં ભઠ્ઠીને એટલું બધુ નુકસાન થયું છે કે એજન્સીના માણસોએ તેના રીપેરિંગ માટેના ખર્ચનો એસ્ટિમેટ રૂ.24 લાખનો આપ્યો હતો. હવે આ નવી ભઠ્ઠી રૂ.25 લાખથી વધુની રકમમાં તૈયાર થઇ જાય છે. આથી પાલિકાએ રીપેરિંગ કરવાનું તો માંડી વાળ્યું છે.
આજુબાજુમાં રાખ ઊડવાની પણ ફરિયાદો વધી છે
હાલની ભઠ્ઠી પાછળ આટલો બધો ખર્ચ કરી શકાય તેમ નથી. ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું મહિને અંદાજે 2.50 લાખ બિલ આવે છે. આજુબાજુમાં રાખ ઊડવાની પણ ફરિયાદો વધી ગઇ છે. હવે સીએનજી ભઠ્ઠી મુકવાનું આયોજન કરાયું છે. જેનો ખર્ચ પણ ઓછો થાય તેમ છે અને લોકોની સમસ્યા દૂર થઇ શકે છે. > શીખાબેન કશ્યપભાઇ શુકલ, ચેરમેન, સંયુકત પાલિકાના મોક્ષધામ ડેવલોપમેન્ટ સમિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.