જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપે કોને શા માટે કાપ્યા અને શા માટે ટિકિટ આપી, તેની અનેક અટકળો ચાલી રહી છે ત્યારે ખાસ કરીને વઢવાણ બેઠકની વાત કરીએ તો વર્ષ 1990થી 2022 સુધીની ચૂંટણીમાં ભાજપે જે ઉમેદવાર આપ્યા છે, તે તમામ ઉમેદવાર જોરાવરનગર કે રતનપર રહેતા હોવાની રસપ્રદ વિગતો બહાર આવી છે. વઢવાણ બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને આથી જ આ બેઠક ઉપરથી ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે અનેક લોકો લાઇનમાં હોય છે.
ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે અનેક લોકો લાઇનમાં
જ્યારે પણ ટિકિટ આપવાની વાત આવે ત્યારે ઉમેદવારના મૂળ વતનની સાથે અત્યારે ક્યાં રહે છે તેની ચર્ચા ખાસ ચાલતી હોય છે. આવા સમયે વઢવાણ વિધાનસભા માટે એક રસપ્રદ વાત છે કે 1990થી અત્યાર સુધી આ બેઠકથી જે ઉમેદવારો જીતીને ધારાસભ્ય બન્યા છે, તેમનું વતન ભલે અન્ય જગ્યાએ હોય પરંતુ તેમનો નિવાસ જોરાવરનગર અને રતનપર સાથે અચૂક રહ્યો છે. આ બેઠક ઉપર પર 2 વાર જીતનારા રણજિતસિંહ ઝાલાનું મૂળ વતન લીંબડી તાલુકાનું શિયાણી ગામ છે અને તેઓ જોરાવરનગરમાં રહેતા હતા.
તેમની પછી 2 વાર જીતનારા ધનરાજભાઈ કૈલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગઢડા ગામના વતની છે પરંતુ તે પણ જોરાવરનગરમાં કાંતિ દીવાનના બંગલા પાસે રહેતા હતા. તેમના પછી આવેલાં અને 2 ટર્મ ચૂંટાયેલાં વર્ષાબહેન દોશીનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું ઉદલપુર ગામ છે પરંતુ તેઓ ચૂંટણી લડ્યાં ત્યારે રતનપરના વિહાર પાર્કમાં રહેતા હતા. તેમની પછી એક ટર્મ માટે ભાજપના ધારાસભ્ય રહેતા ધનજીભાઈ પટેલનું મૂળ વતન મોરબી જિલ્લાનું રંગપર બેલા છે પરંતુ તે પણ જોરાવરનગરના હનુમાન ચોકમાં રહેતા હતા.
આજે પણ ત્યાં તેમનું મકાન છે જ્યારે આ વખતે ભાજપના ઉમેદવાર જગદીશ મકાવાણાનું વતન લીંબડી તાલુકાનું શિયાણી ગામ છે પરંતુ તેઓ રતનપરના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહે છે. જોકે અત્યારે આ ઉમેદવારો સુરેન્દ્રનગર રહેવા માટે જતા રહ્યા છે પરંતુ એક સમયે તેમનું રહેણાક રતનપર કે જોરાવરનગર અચૂક રહ્યું છે અને આથી જ વર્તમાન સમયે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારે વઢવાણના ધારાસભ્ય થવું હોય તો જોરાવરનગર કે રતનપરમાં રહેવા જવું પડે.
ધનજીભાઈ પટેલને ઉંમરનો બાદ ન નડ્યો હોત તો તે પણ 2 ટર્મ પૂરી કરત
વઢવાણ બેઠક સાથે જોરાવરનગર અને રતનપરમાં રહેતા હોય અને ભાજપમાંથી જીત્યા હોય તેવા ઉમેદવારોએ સામાન્ય રીતે ધારાસભ્ય તરીકે 2 ટર્મ પૂરી કરી છે. ધનજીભાઈ પટેલને આ વખતે ઉંમરને કારણે ટિકિટ ન આપી હોવાનું કહેવામાં આવે છે પરંતુ જો તેમને ઉંમરનો બાદ ન નડ્યો હોત તો તે પણ 2 ટર્મના ધારાસભ્ય રહ્યા હોત.
7 ચૂંટણીનાં પરિણામ 1990થી ભાજપે બેઠક જાળવી રાખી છે... | |||
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ | મળેલા મત |
1990 | રણજીતસિંહ જીલુભા ઝાલા | ભાજપ | 26,396 |
1995 | રણજીતસિંહ જીલુભા ઝાલા | ભાજપ | 39,744 |
1998 | ધનરાજભાઇ કૈલા | ભાજપ | 46,617 |
2002 | ધનરાજભાઇ કૈલા | ભાજપ | 59,446 |
2007 | વર્ષાબેન દોશી | ભાજપ | 47,466 |
2012 | વર્ષાબેન દોશી | ભાજપ | 83,069 |
2017 | ધનજીભાઇ પટેલ | ભાજપ | 89,595 |
રણજીતસિંહ જીલુભા ઝાલા, ધનરાજભાઈ કૈલા અને વર્ષાબેન દોશી આ બે ઠક પરથી 2 ટર્મ વિજેતા રહ્યા હતા. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.