ધરણાં:સિંચાઇ માટે પાણી નહીં આપો તો 10 દિવસના ધરણાં કરીશું, આંદોલન પણ કરીશું: ખેડૂતો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદાના નીર ન મળતા 27 ગામના સરપંચ, આગેવાનો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેઠા હતા. - Divya Bhaskar
નર્મદાના નીર ન મળતા 27 ગામના સરપંચ, આગેવાનો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેઠા હતા.
  • વઢવાણ, ધ્રાંગધ્રા, મૂળીના 27 ગામના સરપંચ અને આગેવાનો ધરણાં પર બેઠા

સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળી આ 3 તાલુકાના 27 ગામના ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. આથી અનેક રજૂઆતો કરીને થાકેલા ગામના સરપંચો અને આગેવાનો કલેક્ટર કચેરીએ શનિવારે દોડી આવ્યા હતા અને 10 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કરી દીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળી આ 3 તાલુકાના 27 ગામનો સૌની યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આથી આ ગામના લોકોને સિંચાઇ માટે નર્મદાના નીર મળતા નથી. હાલતા સમયે તળાવમાં પાણી સૂકાઇ ગયા છે બોરના પાણી ડૂકી રહ્યા છે. ત્યારે સિંચાઇ માટે પાણીની કોઇ વ્યવસ્થા નથી. આ માટે ખેડૂત હિત રક્ષક સમિતિ બનાવીને 27 ગામના સરપંચો કલેક્ટર કચેરીથી લઇને છેક ગાંધીનગર મુખ્ય મંત્રીને રૂબરૂ મળીને પાણીની માગ કરી હતી.

ખેડૂતોના જણાવ્યા અનુસાર તે સમયે સીએમએ દોઢ મહિનામાં પાણી આપવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી પાણી તો નથી આપવામાં આવ્યુ પરંતુ કેનાલ કે પાઇપ લાઇનની કોઇ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. આથી પાણીની માગ સાથે સરપંચો અને આગેવાનો કલેક્ટર કચેરીએ શનિવારે દોડી આવ્યા હતા. અને પાણી નહીં આપવામાં આવે તો10 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા.

તેમણે રજૂઆતમાં એવું પણ જણાવ્યું કે 27 ગામના તળાવો પણ નર્મદાના નીરથી ભરો અને સિંચાઇના પાણીની વ્યવસ્થા કરો. જો તેમ કરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ફરજ પડશે. આટલું જ નહીં પરંતુ આ ગામો માથી જો કોઇ ખેડૂતો પાણી માટે આત્મ વિલોપન કરશે તો તેની જવાબદારી પણ સરકાર અને તંત્રની રહેશે.

અન્ય સમાચારો પણ છે...