વઢવાણમાં એફસીઆઇના ગોડાઉનમાં લિફ્ટિંગ ઓપરેટરને કોન્ટ્રાક્ટરના માણસે ગાળો આપી હુમલો કર્યો હતો. આ અંગે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વઢવાણમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સંદર્ભે પુરવઠા નિગમના કર્મીઓએ કલેક્ટરને રજૂઆત કરી ભોગ બનનારને ત્વરિત ન્યાયની માંગ કરી હતી.સુરેન્દ્રનગરના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના કર્મચારીઓએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆત પ્રમાણે તા. 5 મેએ જિલ્લાના કર્મચારી જી. કે. મહેતા લિફ્ટિંગ મૅનેજર એફસીઆઇ વઢવાણ પર પરીવહન ઇજારાદાર કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવમાં વારંવાર જાનથી મારી નાખવાની ધમકી અને ફરજ રૂકાવટની વઢવાણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે જિલ્લાના કર્મચારીગણમાં ભયનો માહોલ છવાયો છે, જેથી કામગીરીમાં ભવિષ્યમાં પણ તકલીફ પડે તેમ છે. સરકારી કર્મચારી સાથે ભવિષ્યમાં આવું ન થાય માટે આ મામલે દાખલારૂપ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.અને ભોગ બનનાર કર્મચારીને ત્વરિત ન્યાય અપાવવા જણાવ્યું હતું. જો 7 દિવસમાં આ અંગે તેમ નહીં કરાય તો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડી કામગીરીનો બહિષ્કાર કરીશું. જેના કારણે સરકારી યોજનાઓ ખોરંભે ચડે તો તેની કોઇ જવાબદારી અમારી નહીં રહેતી નથી. ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.