પાટડી તાલુકાના નાવિયાણી ગામે ખેડૂત સાથે જમીનનો સોદો કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ચકચારી બનાવમાં મુખ્ય સુત્રધારો નહીં પકડાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ચીમકી ખેડૂતો અને ઠાકોર સેના દ્વારા આપવામાં આવી છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, પાટડી તાલુકાના નાવિયાણી ગામના ખેડૂત જેરામભાઈ સાથે જમીનનો સોદો કરીને તા. 5-5-2022ના રોજ ત્રણ થેલામાં રૂપિયા દેખાડી વિશ્વાસમાં લઈ દસ્તાવેજમાં સહીઓ કરાવી લીધી હતી. ત્યાર બાદ માત્ર રૂા.25 લાખ આપીને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવમાં આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પાટડી પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ પર મેળવ્યા હતાં. પરંતુ આ બનાવના મુખ્ય આરોપીઓ આજ સુધી ફરાર હોવાથી ઠાકોર સેનાના આગેવાનોએ પાટડી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી મુખ્ય આરોપીઓને વહેલી તકે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરવા અને ખેડૂતને જમીનની પુરેપુરી રકમ અપાવવા રજૂઆત કરી હતી. આ કેસમાં ઝડપી કાર્યવાહી નહીં થાય તો ઠાકોર સેનાએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી. પાટડી નાયબ કલેકટરને આવેદનપત્ર આપતી વખતે વિષ્ણુજી ઠાકોર, જેસલજી ઠાકોર અને રમેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.