પેટા ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ:ભાજપે અને આપે પાટીદાર તો કોંગ્રેસે ભરવાડ સમાજના ઉમેદવારને ઉતાર્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુ.નગર પાલિકાની વોર્ડ નં. 6ની પેટા ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ

સુરેન્દ્રનગર નગરપાલિકામાં વોર્ડ નં. 6ની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય ગતીવિધિઓ તેજ થઇ ગઇ હતી. ત્યારે શનિવારે ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પેટા ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ જામે તેવી સ્થિતિ છે.

સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 6માં ભાજપની પેનલમાં હિતેશભાઇ બજરંગ ચૂંટાયા હતા. પરંતુ અસંતોષને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું અને આપમાં જોડાઇ ગયા બાદ આપે તેમને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી હતી. તેમણે આપેલા રાજીનામાને કારણે વોર્ડ નં. 6ના એક સભ્ય માટે પેટા ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં શનિવારે ભાજપના ઉમેદવાર પરેશભાઇ પટેલે ભાજપના આગેવાનો સાથે ફોર્મ ભર્યુ હતુ. તો કોંગ્રેસે ગત પાલિકાની ચૂંટણીમાં ટીકીટ કાપતા વોર્ડનં 11માં બસપામાંથી ચૂંટણી લડનાર છેલાભાઇ મોતીભાઇ ભરવાડને ટિકિટ આપતા તેમણે પણ ફોર્મ ભર્યુ હતું.

જ્યારે આપમાંથી રંજનબેન પટેલે ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતો. તો બસપના મહેશભાઇ દુલેરાએ પણ ફોર્મ ભર્યુ હતું. આ પેટા ચૂંટણીમાં મહત્વની બાબત એ છે કે ભાજપના બેનરથી ચૂંટાયેલા અને રાજીનામું આપનાર હિતેશભાઇ બજરંગનો પોતાનો વોર્ડ છે. આથી તેમના ઉમેદવારને જીતાડવાની મોટી જવાબદારી આવી ગઇ છે. સામે પક્ષે ભાજપ પણ પોતાની સીટ પાછી મેળવવા માટે કોઇ કસર તો નહી રાખે. પરંતુ સાથે સાથે ભાજપમાંથી રાજીનામુ આપનાર આપના હિતેશભાઇને ધોળા દિવસે તાળા દેખાડવા માટે પૂરી તાકાત લગાવી દેવામાં આવશે.

હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ત્રિપાંખિયો જંગ
હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી તાજેતરમાં જ જાહેર થઈ હતી. શનિવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ભાજપ 2, કોંગ્રેસ 2, આમ આદમી પાર્ટીએ 1 ફોર્મ સાથે કુલ 5 ઉમેદવારે ફોર્મ ભયો હતા. આમ 3 પક્ષોઓ ફોર્મ ભરતા આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. કોંગ્રેસ પક્ષ તરફથી સરંભડા ગામના ભારતીબેન ગોપાલભાઈ દોરાલા, ભાજપ તરફથી રણછોડગઢના હર્ષાબેન મહેશભાઈ કોપણીયા અને આમ આદમી પાર્ટી તરફથી રાયધ્રાંના અનુબેન કુકવાવાએ ફોર્મ ભર્યા હતા. 21-9-2021એ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. 3-10-2021એ ચૂંટણી યોજાશે. મતદાન ગણતરી 5-10-2021ના રોજ થશે.

ભાજપ ન.પાલિકાની તમામ બેઠકો પર કબજો જાળવી રાખવા મરણ્યું બનશે
લીંબડી નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે તા.28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. તા.2 માર્ચે થયેલી મત ગણતરીમાં ભાજપે તમામ 28 બેઠક પર વિજય મેળવી લીંબડી નગરપાલિકાને વિરોધપક્ષ મુક્ત કરી દીધી હતી. તા.12 એપ્રિલના રોજ વોર્ડ નં-5થી ચૂંટાયેલા ડાયાલાલ ખાંદલાનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી. ખાલી પડેલી બેઠક માટે શનિવારે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો.

લીંબડી ન.પાલિકાના વોર્ડ નં.5ની 1 બેઠક માટે ભાજપે સ્વ.ડાયાલાલ ખાંદલાના પુત્ર દર્શન ખાંદલા, કોંગ્રેસે કિરીટસિંહ રાઠોડ, આપે મયુર દુલેરા, બસપાએ બાબુભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. અપક્ષમાંથી નિલેશ ચાવડાએ ફોર્મ ભર્યું છે. ગત ચૂંટણીમાં ભાજપના ડાયાલાલ ખાંદલાએ 1343 મત મેળવી કોંગ્રેસના પ્રતિદ્વંદી મયુર ભરવાડને 355 મતથી માત આપી હતી. ભાજપ પાસે હાલ ન.પાલિકાની 28માંથી 27 બેઠકો છે. બાકીની 1 બેઠક માટે ભાજપ મરણ્યું બનશે તેમાં બે મત નથી.

અન્ય સમાચારો પણ છે...