વિપુલ જોશી
સુરેન્દ્રનગરમાં ઘરવિહોણા પરિવારો માટે રાજ્ય સરકારે ‘રાજીવ આવાસ યોજના’ અમલમાં મૂકી હતી. સંયુક્ત પાલિકા વિસ્તારમાં કુલ 960 આવાસ મંજૂર કરાયાં હતાં જેમાં 720 આવાસ લાભાર્થીઓને ફાળવી દેવાયાં હતા પરંતુ બાકીનાં 240 આવાસ બનાવવામાં પાલિકાને મોંઘવારી નડી રહી છે. 3 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ જતાં મજૂરી અને મટિરિયલના ભાવમાં વધી થતાં જે મકાન રૂ. 3.45 લાખમાં બન્યું હતું, તેમાં હવે રૂ. 1.50 લાખનો ખર્ચ વધતાં એક આવાસ બનાવવાનો ખર્ચ રૂ. 5 લાખે પહોંચ્યો છે.
એટલે પાલિકા જો 240 આવાસ બનાવે તો રૂ. 3.60 કરોડનું ભારણ વધી જાય. આ કારણથી સંયુક્ત પાલિકાએ આ આવાસો બનાવવાનો નિર્ણય રદ કર્યો છે. સુરેન્દ્રનગરમાં 960 આવાસ બનાવવા માટેની યોજના અમલી બનાવી હતી. વર્ષ 2016-17માં મંજૂર થયેલી આ યોજનામાં 720 આવાસનું કામ વર્ષ 2020માં પૂરું કરવામાં આવ્યું હતું, જેમાં લાભાર્થીએ કુલ રૂ. 40 હજાર ભરવાના હતા જે પૈકી રૂ. 30 હજાર સમાજ કલ્યાણ શાખા તરફથી સીધા પાલિકાને ભરવાના હતા. આમ લાભાર્થીને માત્ર રૂ. 10 હજારમાં ઘરનું ઘર આપવાનું હતું. પાલિકાએ વર્ષ 2020માં લાભાર્થીઓને આવાસ ફાળવી દીધાં હતાં. ત્યાર બાદ બાકીનાં 240 મકાન બનાવવાના હતા તે ક્યાં બનાવવાં, જમીનની ફાળવણીની ગડમથલ સહિતની બાબતોને કારણે 3 વર્ષથી વધુ સમય સુધી બનાવી શકાયાં નહોતાં.
સ્વભંડોળનાં નાણાં વાપરીએ તો શહેરના નાગરિકોની સુવિધાને અસર થાય
આવાસ યોજનામાં જમીન ફાળવણી સહિતની બાબતોને કારણે કામ ડિલે થયું હતું. ભાવવધારાને કારણે પાલિકા ઉપર અંદાજે રૂ. 3.60 કરોડનો ખર્ચ વધતો હતો. પાલિકાની પહેલી ફરજ લોકોને સુવિધા આપવાની છે. સ્વભંડોળનાં નાણાં આવાસમાં વાપરીએ તો સુવિધા ઉપર અસર થાય અને બીજું, પાલિકા પાસે એટલી મોટી રકમનું સ્વભંડોળ નથી. આથી આ આવાસો રદ કરવાનો નિર્ણય લીધો છે.’ > વીરેન્દ્ર આચાર્ય, પ્રમુખ, સંયુક્ત પાલિકા
મકાન બનાવવાનો ખર્ચ રૂ. 5 લાખ થાય છે
યોજના મંજૂર થઈ તે સમયે એક મકાન રૂ. 3.48 લાખમાં તૈયાર થતું હતું તે અત્યારે રૂ. 5 લાખમાં તૈયાર થાય છે. વધેલા ખર્ચના રૂ. 1.50 લાખ કોણ આપે, તે મોટો સવાલ હતો.’
> કયવંતસિંહ હેરમા, એન્જિનિયર, સંયુક્ત પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.