રાજકારણ:ભાજપની સરકારના મંત્રી મંડળમાં જિલ્લાને સ્થાન મળે તેવી આશા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની 5માંથી 3 બેઠક પર ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે

ભાજપની રાજય સરકારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફારો થઇ રહ્યા છે. મંત્રી મંડળમાં પણ ઉથલપાથલ થઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય પૈકી કોઇ એકને પણ મંત્રી મંડળમાં સ્થાન મળે એવી આશાઓ બંધાઇ રહી છે. જેમાં ખાસ કરીને મંત્રીનો કરભાર સંભાળવાનો અનુભવ ધરાવતા કિરીટસિંહ રાણાનું નામ મોખરે ચાલી રહ્યું છે.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં 5માંથી 1 બેઠક ભાજપે જીતી હતી. ત્યારબાદ લીંબડી અને ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા હતા. વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રાના પરસોતમભાઇ સાબરીયા પહેલીવાર ચૂંટાયેલા છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા જૂના અને અનુભવી છે. આટલું જ નહી પરંતુ તેઓ ભાજપ સરકારમાં અગાઉ મંત્રી રહી ચૂકેલા છે. અગાઉ ધ્રાંગધ્રા અને હળવદ વિધાનસભા એક હતી ત્યારે 2012થી 2017 સુધી જયંતીભાઇ કવાડીયા પંચાયત મંત્રી હતા. પરંતુ નવા સીમાંકન મુજબ હળવદનો વિસ્તાર મોરબીમાં જતો રહ્યો છે. આથી વર્તમાન સમયે જિલ્લાના 3 ધારાસભ્ય પૈકી કોઇ મંત્રી નથી.

આગામી વિધાનસભામાં ખાસ કરીને કાર્યકરોની ઉત્સાહ જાળવી રાખવા માટે જિલ્લાના ધારાસભ્યને મંત્રી પદ આપવું જોઇએ તેવું ભાજપના આગેવાનો પણ માની રહ્યા છે. હાલ તો જિલ્લાના ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેવી આશા બંધાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...