ખારાપાટની મધર ટેરેસા એટલે 'મીનાબેન દેસાઈ':યુવતી પર થતો અત્યાર જોયો ને મનમાં ગાંઠ વાળી- 'જાનની બાજી લગાવી દઈશ, પણ અબળા પર અત્યાચાર નહીં થવા દઉં'

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા

ભણતર જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, એ વાત સાચી, પણ ભણતર ન હોય તો પણ પગભર થઇ બીજી મહિલાઓને પોતાના અસ્તિત્વની ઓળખ કરાવતી માનુનીઓ બહુ જૂજ હોય છે. એમાં પાટડીના સેવાભાવી મીનાબેન દેસાઇનો સમાવેશ કરી શકાય. પાટડી જેવા નાનકડા ગામમાં રહેતા અને માત્ર 10 ચોપડી પાસ મીનાબેન દેસાઇ પાટડી અને આજુબાજુના ગામોમાં વિધવા, ત્યક્તા અને ગરીબી રેખા હેઠળ જીવતી બેથી અઢી હજાર મહિલાઓને હસ્તકલા થકી રોજીરોટી રળી આપે છે. એની સાથે સાથે એમણે અત્યાર સુધીમાં સેંકડો મહિલાઓને વિવિધ મુસિબતોમાંથી જીવના જોખમે હિંમતભેર ઉગારીને સલામત સ્થળે પહોંચાડી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ એવોર્ડ, ગૌરવવંતો ગુજરાત એવોર્ડ અને બેસ્ટ વુમન આંત્રરપ્રિન્ચોર એવોર્ડ મેળવનારા પાટડીના સેવાભાવી મીનાબેન દેસાઇની સંઘર્ષગાથા એમના જ શબ્દોમાં....

રાજસ્થાન પોલીસે ફરિયાદ ન લીધી તો પાટડીમાં નોંધાવી
આજથી પાંચ સાત વર્ષ અગાઉની ઘટના જણાવતા મીનાબેન દેસાઇ જણાવે છે કે, પાટડીની યુવતીના લગ્ન રાજસ્થાનના પાલી જિલ્લાના બલાડા ગામે થયા હતા. ત્યારે આ પરિણીતાને એના સાસરિયાવાળા કરીયાવર બાબતે ગામના જ એક મકાનમાં છેલ્લા દોઢ મહિનાથી દોરડા વડે બાંધી ગોંધી રાખી હતી. આથી હું અને પાટડીની અન્ય મહિલાઓ રાજસ્થાન ગયા હતા. જ્યાં એને મહામુસીબતે સાસરીયાઓના ચુંગાલમાંથી જીવના જોખમે છોડાવી રાજસ્થાનના કાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા જતાં ત્યાંની પોલીસે ફરીયાદ લેવાની ના પાડતા અમેં એ મહિલાને પાટડી લાવીને પાટડી પોલીસ મથકેથી ઝીરો નંબરથી ફરીયાદ નોંધાવી હતી. એ દિવસથી જ મેં મનોમન નક્કી કરેલું કે, મહિલાઓ પર થતાં અત્યાચારમાંથી ગમેં તે ભોગે એમને બચાવવા જાનની બાજી લગાવવાની સાથે ઝઝુમવું... ત્યારની ઘડીને આજનો દિવસ, પાટડીના મીનાબેન દેસાઇએ અત્યાર સુધીમાં સેંકડો મહિલાઓને અત્યાચારમાંથી ઉગારી નારી સંરક્ષણ ગૃહમાં કે સલામત સ્થળે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મીનાબેનના આ કામમાં એમને પતિ વિજયભાઇ દેસાઇ અને બહેનપણી રૂપલબેન પંચાલનો હમેંશા સાથ સહકાર મળ્યોં છે.

ગરીબોની સેવા કરતાં મીનાબેન.
ગરીબોની સેવા કરતાં મીનાબેન.

અસ્થિર મગજની મહિલાને અસામાજિક તત્વોની ચુંગાલમાંથી બચાવી
વધુ વિગત આપતા મીનાબેન દેસાઇ જણાવે છે કે, થોડા સમય પાટડીમાં 15 દિવસથી ફરતી અસ્થિર મગજની મહિલાને અસામાજિક તત્વોની ચુંગાલમાંથી બચાવી દુભાષિયા દ્વારા એની ભાષા સમજીને 181ની મદદથી એના માદરે વતન પહોંચડાવામાં આવી હતી. એ જ રીતે એક વખત રસ્તામાં આવતા બાઇકમાં એક ભાઇનો ગમખ્વાર અકસ્માત સર્જાતા એને સારવાર અર્થે દવાખાનામાં લઇ ગયા બાદ એ વ્યક્તિ 18 દિવસ કોમામાં રહ્યાં બાદ એની સોનાની વીંટી, રૂ. 10 હજાર રોકડા સાથેનું પાકીટ અને અગત્યના દસ્તાવેજો એના પરિવારજનોને ઘેર સુધી પહોંચાડી માનવતાની સાચી મહેંક પ્રસરાવી હતી. એજ રીતે પાટડીના ગરીબ અને અભણ મા-બાપની સગીરાને પાડોશમાં રહેતા અજાણ્યા શખ્સો ઉઠાવી જઇ રાજસ્થાનમાં ગોંધી રાખી મજૂરી કામ કરાવતા હતા. એને પણ બિકાનેર રાજસ્થાનમાંથી છોડાવીને રાજકોટ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી એનો જીવ બચાવવામાં આવ્યો હતો.

મહિલાઓને હિંમત ન હારીને પગભર બનવું જોઇએ: મીનાબેન દેસાઇ.
મહિલાઓને હિંમત ન હારીને પગભર બનવું જોઇએ: મીનાબેન દેસાઇ.

યુવતીઓને વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો
એ જ રીતે એમણે થોડા સમય અગાઉ ખારાઘોડામાં લગ્નની લાલચ આપી યુવતીઓને વેચવાના રેકેટનો પર્દાફાશ કરી 22 વર્ષની યુવતી સાથે પાલનપુરની મહિલા દલાલ અને પાટણનો શખ્સ મળી કુલ પાંચ લોકોને ઝબ્બે કરી પાટડી પોલીસને સોંપવામાં આવ્યા હતા. એ જ રીતે સાસરીમાંથી દારૂ પીને પતિએ મારી ઘરમાંથી કાઢી મૂકેલી રાવળ મહિલાને બચાવીને 181 મહિલા અભિયમને જાણ કરી આ મહિલાને સુરક્ષિત નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાનું કામ પણ પાટડીના મીનાબેન દેસાઇએ કર્યું હતુ. અંતમાં મીનાબેન જણાવે છે કે, મહિલાએ સ્વમાનભેર જીવવું હોય તો પગભર થવું જ જોઇએ. માત્ર 10 ચોપડી પાસ પાટડીના મીનાબેન દેસાઇ રણકાંઠાના ગાંમડાની વિધવા, ત્યક્તા અને ગરીબી રેખા નીચે જીવતી 2000થી વધુ મહિલાઓને હસ્તકલા થકી રોજીરોટી પુરૂ પાડવાનું કામ ગર્વભેર કરે છે.

મીનાબેન હોસ્પિટલમાં પણ દર્દીઓની સેવા કરવા જાય છે.
મીનાબેન હોસ્પિટલમાં પણ દર્દીઓની સેવા કરવા જાય છે.

મીનાબેનની સેવાભાવી કામગીરી

 • સિવિલ હોસ્પિટલમાં કેન્સર ઓપરેશનમાં ગરીબોની સેવા કરવી
 • કોરોનાના કપરા સમયગાળામા કોરોના દર્દીઓની સેવા કરવી
 • સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ભોજન તથા ફૂટ આપવામાં મદદરૂપ થવું
 • સરકાર દ્વારા ચાલતી આંગણવાડીમાં તથા વૃદ્ધાશ્રમમાં જન્મ દિવસ નિમિત્તે નાસ્તો તથા ભોજન કરાવીને મદદરૂપ થવુ
 • પાગલ મહિલાઓને પોતાના વતન પહોંચાડવી
 • અકસ્માત થયેલા વ્યકિતઓની વહારે આવી મદદ કરવી
 • ઘરેથી ઝઘડો કરીને નિકળી ગયેલી મહિલાની મદદ કરવી
 • એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધોની સેવા-ચાકરી કરવી
 • સરકારની યોજના દ્વારા ગરીબ લોકોને લાભ અપાવીને મદદ કરવી
 • ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ માટે મદદરૂપ થવુ
 • ગરીબ વર્ગના લોકોને નિઃશુલ્ક શાકભાજીની સેવા કરવી
 • ગરીબ વર્ગના લોકોને નિઃશુલ્ક ગરમ સ્વેટર વિતરણ કરવુ
 • ગરીબ વર્ગના લોકો સાથે રહીને 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીનો ધ્વજવંદન કાર્યક્રમ કરવો
અન્ય સમાચારો પણ છે...