અંબાજી બાદ વધુ એક મંદિર બંધ:ગુજરાતના ઝાલાવાડ ક્ષત્રિય સમાજનું પાટડીનું ઐતિહાસીક શક્તિમાતાનું મંદિર કોરોનાના પગલે અનિશ્ચિત મુદ્દત માટે બંધ

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
ગુજરાતના ઝાલાવાડ ક્ષત્રિય સમાજનું પાટડીનું ઐતિહાસીક શક્તિમાતાનું મંદિર કોરોનાના પગલે અનિશ્ચિત મુદ્દત માટે બંધ
  • ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર બાદ પાટડી શક્તિમાતાનું મંદિર કોરોનાના વધતા જતા કહેર સામે બંધ કરવામાં આવ્યું
  • પાટડી અને ધામાનું શક્તિ મંદિર એટલે શ્રદ્ધા, ભક્તિ અને માતૃત્વનો અનોખો સમન્વય

ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પાટડીના ઐતિહાસીક શક્તિમાતા મંદિરને કોરોનાની વધતી જતી મહામારીના પગલે આજથી જ અનિશ્ચિત મુદત માટે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર બાદ પાટડી શક્તિમાતાનું મંદિર કોરોનાના વધતા જતા કહેર સામે બંધ કરવામાં આવ્યું છે.

વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા)વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું. પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી ચાલી નિકળ્યા અને વિ.સં. 1171 ચૈત્ર વદ 13ન‍ા દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં. ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હ‍ાથમ‍ાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે. આજે એ બન્ને જગ્યાએ શક્તિમાતાનું ભવ્ય મંદિર ઊભું છે. આમ, પાટડી એ શક્તિમાતાની પ્રાગટ્ય ભુમી છે અને ધામા એ શક્તિમાતાનું સમાધિસ્થળ છે.

ગુજરાત ભરમાં અને ખાસ કરીને ગ્રામ્ય પથંકમાં વધતા જતા કોરોના પોઝીટીવના ચિંતાજનક કેસોને ધ્યાનમાં રાખીને શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ એવું પાટડીનું ઐતિહાસીક શક્તિમાતાજીનું મંદિર આજથી અનિશ્ચિત મુદત માટે દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર બાદ પાટડી શક્તિમાતાનું મંદિર કોરોનાના વધતા જતા કહેર સામે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...