ગઇકાલે શનિવારે સાંજે રાજકોટ ખાતે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા ડો. હરિવંશરાય બચ્ચનની વિશ્વ વિખ્યાત કવિતા "મધુશાલા"ની ગુજરાતી આવૃતિનું ભવ્ય લોકાર્પણ થયું હતું. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજીત વાંચનપરબ કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના લોકપ્રિય કાર્યક્રમ "મધુશાલા"નું આયોજન થયું હતું.
જગદીશ ત્રિવેદીએ હરિવંશરાય બચ્ચનની અમર કવિતા "મધુશાલા"નો ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ કરેલો છે. પ્રવીણ પ્રકાશન દ્રારા ડો. ત્રિવેદીની ગુજરાતી મધુશાલાની ત્રીજી આવૃતિ પ્રગટ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં એ ત્રીજી આવૃતિનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજકોટ નાગરિક બેંકના ડીરેક્ટર અને ગુજરાત રાજ્ય સહકારી બેંક મંડળના પ્રમુખ જયોતીન્દ્રમામા, જાણીતા કવિ સંજુ વાળા, પ્રવીણ પ્રકાશન રાજકોટના ગોપાલભાઈ માંકડીયા, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને મધુશાલાના અનુવાદક ડો. જગદીશ ત્રિવેદીએ મધુશાલાનું લોકાર્પણ કર્યુ હતું.
ત્યારબાદ જગદીશ ત્રિવેદીએ ડો. હરિવંશરાય બચ્ચનની જીવન ઝરમર સાથે મધુશાલાની વિશ્વવિખ્યાત રૂબાઈઓને સંગીત સાથે ગાઈને હદયસ્પર્શી રજુઆત કરી હતી, જે સાંભળીને રાજકોટ અને સૌરાષ્ટ્રના સાહિત્યપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મધુશાલા વિશે કહ્યું હતું કે આ કાવ્યમાં કવિએ મધુશાલાને પ્રતિક બનાવીને સમાજસુધારણાનું કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.