ભારે વાહને રિક્ષાને છૂંદી નાખી:ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે ગોઝારો અકસ્માત, કામ કરીને પરત ફરી રહેલી બે મહિલા અને રિક્ષાચાલકનાં મોત

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે ગોઝારો અકસ્માત, બે મહિલા અને રિક્ષાચાલક સહિત ત્રણનાં કમકમાટીભર્યાં મોત.
  • ખાનગી કંપનીમાં કામ કરતી મહિલાઓ કામ કર્યા બાદ રિક્ષામાં જીવા ગામે પરત ફરી રહી હતી
  • એક મહિલાને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરાઈ, એક મહિલાનો આબાદ બચાવ
  • ધ્રાંગધ્રા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

ગઈકાલે મંગળવારે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમાં કચ્છ તરફથી પૂરઝડપે જતા અજાણ્યા વાહનચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. એમાં રિક્ષામાં સવાર બે મહિલા અને રિક્ષાચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

આ ગોઝારા અકસ્માતમાં અકાળે મોતને ભેટેલી 3 વ્યક્તિમાં એક પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા તાકીદે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. એમાં એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારા તેમજ ઇજાગ્રસ્ત લોકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના છે. ખાનગી કંપનીમાં કામ કરતી આ મહિલાઓ કામ કર્યા બાદ રિક્ષામાં પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં જીવા ગામના લોકો અને મૃતકોનાં પરિવારજનો હોસ્પિટલે દોડી ગયાં હતાં. ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર અકસ્માતની ઘટના બાદ ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

મૃતકોનાં નામ આ પ્રમાણે છે :

(1) હિતેશભાઈ પ્રભુભાઈ સાબરિયા ( ઉંમર 19 વર્ષ )

(2) નંદુબેન ઘનશ્યામભાઈ પરમાર ( ઉંમર 19 વર્ષ )

(3) પુષ્પાબેન મનસુખભાઈ વાણિયા ( ઉંમર 18 વર્ષ )

ઇજાગ્રસ્ત રીફર કરવામાં આવેલી મહિલા

(1) પારુલબેન ઘનશ્યામભાઈ

અન્ય સમાચારો પણ છે...