સુરેન્દ્રનગર ડેપો ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ત્રણ નવી બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પાંચ નવી બસોમાંથી ત્રણ બસો સુરેન્દ્રનગર ડેપોને, 1 લિંબડી ડેપો અને 1 ધ્રાંગધ્રા ડેપોને આપવામાં આવી છે. આ બસો થકી મુસાફરોની સુવિધામાં વધારો થશે. ભાજપના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વધુમાં તેમણે બસોનું નિરીક્ષણ કરી મુસાફરોને શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરેન્દ્રનગરમાં નવું એસ.ટી.બસ સ્ટેન્ડ બનાવાશે
સુરેન્દ્રનગર જિલ્લ્લાને નવી પાંચ બસોની ભેટ મળતાં જગદીશ મકવાણાએ આ જિલ્લાના લોકોને વધુમાં વધુ બસ સુવિધાનો લાભ લઈ શાંતિથી, આરામદાયક મુસાફરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં નવનિર્મિત સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ કરવામાં આવશે. તેમજ જિલ્લાને નવી વોલ્વો બસ પણ સરકાર તરફથી આપવામાં આવશે. જેથી પરિવહનની સુવિધા બહેતર બનશે.
ધ્રાંગધ્રાથી મહાદેવનગર રૂટ માટે નવી બસ
આ ઉપરાંત ધ્રાંગધ્રા એસ.ટી.ડેપોથી મહાદેવનગર રૂટની નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ અને અગ્રણી કિરીટસિંહ જાડેજાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, એસ.ટી.બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય વનરાજ, મુકેશ ગોવાણી, અગ્રણી મહેન્દ્ર પટેલ, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોના મેનેજર આઈ.જે.નાયી સહિત ડેપોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર-ભુજ, સુરેન્દ્રનગર-સુરતની નવી લક્ઝરી બસ
સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો દ્વારા સુરત અને ભુજ સુધી લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર-ભુજ રૂટની લક્ઝરી બસ સવારે 5:30 કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જ્યારે બીજી બે લક્ઝરી બસો સુરેન્દ્રનગરથી-સુરત રૂટની બસ સવારે 9:00 કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જેમાં 2x2 સીટિંગ કેપેસિટી 41ની છે. બસની સીટો પુશબેક અને આરામદાયક હોવાથી મુસાફરો શાંતિથી મુસાફરીનો અનુભવ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.