આજે 3જી માર્ચે 'વર્લ્ડ વાઈલ્ડ લાઇફ ડે'ની ઉજવણી થઇ રહી છે. ત્યારે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા અને રણનું આગવું ઘરેણું ગણાતા એવા દુર્લભ ઘૂડખરની બે વર્ષ અગાઉ 2020ના માર્ચ માસમાં યોજાયેલી ગણતરી અનુસાર વસ્તી વધીને હાલમાં 6082એ પહોંચી છે. કચ્છના નાના રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરની વસ્તીમાં 45 વર્ષમાં 845%નો તોતીંગ વધારો નોંધાયો છે. કચ્છના નાના રણમાં 1976માં ઘૂડખરની સંખ્યા 720 હતી. જે છેલ્લે 2020માં કરાયેલી ગણતરી અનુસાર વધીને 6082 નોંધાઇ હતી.
ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો હતો. જ્યારે સને 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને કુલ 4953.71 ચો.કિ.મી.વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ. રણની આગવી વિશિષ્ટતા ગણાતા અને રણનો પવનવેગી દોડવીર જાદુગર ગણાતા ઘૂડખરની ઉંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી. હોય છે. જ્યારે એનું વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા આ ઘૂડખરને દોડતું જોવુ એ જ જીવનના એક લ્હાવા સમાન છે.
'ખુશ્બુ ગુજરાત કી' એડ કેમ્પેઇન અંતર્ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ઘૂડખર સાથે બે દિવસ મેરોથોન શુટીંગ યોજી ઘૂડખરને ગુજરાતના સરતાજ કહ્યાં હતા. આ એડ રીલીઝ થયા બાદ રણમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 300%નો વિક્રમજનક વધારો નોંધાયો હતો. અને ઘૂડખરની પ્રસિદ્ધી વિશ્વફલક સુધી પહોંચતા વિદેશી પર્યટકોમાં પણ ઘૂડખર અભયારણ્યે ગજબનું ઘેલું લગાડ્યું હતુ.
સને 1946માં સૌપ્રથમ ઘૂડખરની કરાયેલી ગણતરી અનુસાર ઘૂડખરની સંખ્યા 3500 હતી. જે સને 1963માં ઘૂડખરમાં રોગચાળો આવતા સંખ્યા ઘટીને માત્ર 362 સુધી જ પહોંચી ગઇ હતી. અને 2014માં કરાયેલી ગણતરી અનુસાર રણમાં ઘૂડખરની સંખ્યા 4451 નોંધાઇ હતી. અને બે વર્ષ અગાઉ 13 અને 14મી માર્ચે 1200 જણાના સ્ટાફ દ્વારા ગુજરાતનાં સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણ એમ 5 જીલ્લા સહિત નળકાંઠા વિસ્તારને પણ આવરી લઇ કુલ 15000 વર્ગ કિ.મી.માં ગણતરી યોજાઇ હતી. ગુજરાતમાં સિંહની જેમ રણના ઘૂડખરની વસ્તી 37%થી વધીને હાલમાં 6082એ પહોંચી છે.
ઘૂડખર અભયારણ્યને યુનેસ્કો કમિટીમાં પણ સબમીટ કરાયું હતું.
રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર માટે રક્ષિત કરવામાં આવેલા 4954 ચો.કિ.મી. વિસ્તાર 'ઘૂડખર અભયારણ્ય'ને સને 2006માં વર્લ્ડ હેરીટેજમાં સામેલ કરવા યુનેસ્કો કમિટીમાં સબમીટ કરવામાં આવ્યું હતુ. પરંતુ છેલ્લે પાટણની 'રાણી કી વાવ'નો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઘૂડખરની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો
1946 - 3500
1960 - 2000
1963 - 362
1976 - 720
1983 - 1989
1990 - 2075
1998 - 2839
2004 - 3863
2009 - 4038
2014 - 4451
2020 - 6082
જિલ્લા વાઇઝ ઘૂડખરના આંકડા
ઘૂડખર રણ વિસ્તાર છોડી અમદાવાદ સુધી પહોંચ્યા
સામાન્ય રીતે વેરાન રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરો છેલ્લે યોજાયેલી ગણતરીમાં રણને અડીને આવેલા પાંચ જિલ્લાના રક્ષિત અભયારણ્ય વિસ્તારમાંથી બહાર નીકળીને છેંક અમદાવાદ જીલ્લા સુધી પહોંચ્યા છે. જેમાં છેલ્લે યોજાયેલી ગણતરીમાં અમદાવાદ જિલ્લામાં પણ 19 ઘૂડખરો નોંધાયા છે.
જર્મન દંપતીએ પાડેલા ફોટાને આંતરરાષ્ટ્રીય લેવલે 46 એવોર્ડ મળ્યા
ડો.ગ્રટરૂડ અને હેલ્મુટ ડેનઝાઉ નામના જર્મન દંપતી આજથી 38 વર્ષ અગાઉ સને 1984માં પ્રથમ વખત જ્યારે ખારાઘોઢા રણની મુલાકાતે આવ્યા ત્યારે એમણે બે ઘૂડખરનું એક મુખ દેખાતું હોય એવો એક્સક્લુઝીવ ફોટો પાડ્યો હતો. વધુમાં આ ફોટાની ખાસીયત એ હતી કે, આ ફોટાને જોઇને કોઇ કહી ના શકે કે આ મુખ બે માંથી ક્યા ઘૂડખરનું છે. આ ફોટાને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય લેવલે 46 જેટલા એવોર્ડો મળેલા છે. રણમાં ઘૂડખર પોતાના બચ્ચાને જન્મ આપતો લાઇવ ફોટો લેનાર આ જર્મન દંપતિ વિશ્વનું એકમાત્ર દંપતિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.