સિરામીક ઉદ્યોગ મુશ્કેલીમાં:સિરામીક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં ફરી એકવાર વધારો, 3 મહિનામાં ગેસનો ભાવ 36થી વધીને 62 પર પહોંચ્યો

સુરેન્દ્રનગર/મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિરામીક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં ફરી એકવાર વધારો - Divya Bhaskar
સિરામીક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં ફરી એકવાર વધારો
  • ચાર વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં સતત 98 વખત ઉતાર ચડાવ વચ્ચે સિરામીક ઇન્ડસ્ટ્રીઝ ગોથે ચડી

મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કોલગેસનો વપરાશ સદંતર બંધ થયા બાદ ઇંધણનો એક માત્ર વિકલ્પ નેચરલ ગેસ જ છે. ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં આકરા ડોઝ આપી બમણા જેટલો ભાવ વધારો કરતા હાલમાં સિરામીક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. વર્ષ 2017માં રૂ.37.20માં મળતો ગેસ ઓગસ્ટ 2021માં 36 રૂપિયા અને આજે રૂ.62.92ના ભાવે મળતો હોય સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં વર્કિંગ કેપિટલની અછત સર્જાઈ છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સતત ભાવ વધારાનો દૌર યથાવત રાખતા સિરામીક હબ મોરબીનું ગળું ઘોટાઈ રહ્યુ હોય તેવી પ્રતીતિ ઉદ્યોગકારો કરી રહ્યા છે. છતાં મોરબીના કેન્દ્ર રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સિરામીક ઉદ્યોગની આ વિકટ સ્થિતિમાં સાથ આપવા કે સધિયારો આપવાનું ચુકી ગયા છે. જોગાનુંજોગ આ છેલ્લા ભાવવધારા પૂર્વે સિરામીક ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળી હવે આ ઉદ્યોગ નવો ભાવ વધારો સહન કરવાની સ્થિતિમાં ન હોવા અંગે રજુઆત કરી આવ્યા અને તુરત જ ગુજરાત ગેસ કંપનીએ જાજો નહિતર થોડો રૂપિયા 11.70 પૈસાનો ભાવ વધારો ઝીકી દીધો છે.

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા જણાવે છે કે, વર્ષ 2017માં રૂ.37.20માં મળતા નેચરલ ગેસના ભાવમાં અત્યાર સુધીમાં ધીમે ધીમે અંદાજે 98 વખત ઉતાર ચડાવ જોવા મળ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીની બીજી લહેર બાદ ઓગસ્ટ 2021થી સતત નેચરલ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને ઓગસ્ટ 2021 સુધી રૂપિયા 36માં મળતો નેચરલ ગેસ આજે 63 રૂપિયે પહોંચી જતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને આકરો ઝાટકો લાગ્યો છે. અચાનક થોપી દેવાયેલ ભાવ વધારાના કારણે ડોમેસ્ટિક અને એક્સપોર્ટના અગાઉ લીધેલા ઓર્ડર પુરા કરવામાં મુશ્કેલી આવી પડી છે. જો ગેસ કંપની ભાવ વધારા અંગે આગોતરી જાણ કરે તો ચોક્કસપણે સિરામીક ઉદ્યોગને અણધારી આફતનો સામનો ન કરવો પડે. હાલમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટમાં ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે અને ઉપર જતા ગેસના ભાવ વધતા બમણો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના સતાવાર સૂત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં વિદેશની માંગ વધતા નેચરલ ગેસના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો હોય 35 ડોલરના ભાવે ખરીદ કરવામાં આવતો ગેસ કઈ રીતે સસ્તો આપી શકાય તેવો સવાલ ઉઠાવી આ ભાવ વધારો કાયમી નહિ હોવાનું જણાવી ગેસની ખપત વધતા ભાવ વધારવાની નોબત આવી હોવાનું કહે છે. ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટતા ગેસની કિંમતમાં ઘટાડો કરવાનું આશ્વાસન આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...