સુરેન્દ્રનગર શહેરમાં મોટાપાયે ગણેશ મહોત્સવના આયોજનો કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોને છેલ્લા 2 વર્ષથી આયોજન પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતુ. વર્ષ 2020માં કોરોનાને લીધે આયોજન કરી શકાયુ જ ન હતુ. જ્યારે વર્ષ 2021માં અમુક સરકારી નિયંત્રણો સાથે ભકતોએ ગણેશજીની સ્થાપના કરી પુજા અર્ચના કરી હતી. ત્યારે થોડા દિવસો અગાઉ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગણેશ મહોત્સવના તમામ નિયંત્રણો હટાવી લેતા જિલ્લાભરના ગણેશ ભકતોમા ખુશીની લહેર જોવા મળે છે.
પ્રતીમા બનાવતા કારીગરો અત્યારથી કામમાં લાગી ગયા
સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર કા રાજા, ઝાલાવાડ કા રાજા, વાદીપરા, અંબા મિકેનિક પાસે, સોનાપુર રોડ પર, જેલ ચોકમાં, જવાહર ચોકમાં, મેગા મોલ, 80 ફુટ રોડ, દાળમિલ રોડ સહીત 600થી વધુ સ્થળોએ સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાય છે. ત્યારે રાજ્ય સરકારના નિયંત્રણ હટાવી દેવાના નિર્ણયને ગણેશ મહોત્સવના આયોજકોએ આવકાર્યો છે. અને ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ મૂર્તિની 4 ફુટની હાઈટનું નિયંત્રણ હટતા મૂર્તિ બનાવનારા કારીગરોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં દુંદાળા દેવની પ્રતીમા બનાવતા કારીગરો અત્યારથી કામમાં લાગી ગયા છે.
સામાન્ય રીતે 5 હજારમાં વેચાતી મોટી મૂર્તિ આ વર્ષે 7 હજારની આસપાસ વેચાશે
આ અંગે જોરાવરનગરના કા રાજા ગણેશ મહોત્સવના આયોજક ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યુ કે, 2 વર્ષથી વધુનો સમય કોરોનામાં પસાર થયો છે. ત્યારે હવે સરકારે ગણેશ મહોત્સવના નિયંત્રણો હટાવી લીધા છે. સરકારના આ નિર્ણયને અમો આવકારીએ છીએ. લોકોના હિતમાં સરકારે નિર્ણય લીધો છે. દરમિયાન શ્રીજીની મૂર્તિ બનાવતા કારીગર તેજલબેન મારવાડીએ જણાવ્યુ કે, અમો દર વર્ષે મોટી માત્રામાં કાચો માલ લાવીને શ્રીજીની મુર્તિ બનાવી વેચીએ છીએ. પરંતુ આ વર્ષે કાચા માલ સામાનનો ભાવ વધ્યો છે. આથી સામાન્ય રીતે 5 હજારમાં વેચાતી મોટી મૂર્તિ આ વર્ષે 7 હજાર રૂપિયા આસપાસ વેચવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.