સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકાની સૌથી મોટી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જાતે વીડિયો બનાવી સ્થિતિને ઉજાગર કરી છે. વીડિયોમાં આ અત્યંત જર્જરિત ગ્રામ પંચાયતના છતમાંથી પોપડા ખરે છે અને પારાવાર ગંદકીથી ખદબદતી આ ગ્રામ પંચાયતમાં કૂતરાઓ રખડતા નજરે પડ્યાં હતા. આથી "અંધેરી નગરીમાં ગંડેરૂ રાજા" જેવી કફોડી હાલત લીંબડીના રાણાગઢ ગ્રામ પંચાયતની જોવા મળી હતી.
રાણાગઢ ગ્રામ પંચાયતની બિસ્માર હાલત
દસાડા-લખતર અને લીંબડીના 17 ગામોની મળીને આખી વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખુદ રાણાગઢ ગ્રામ પંચાયતની બિસ્માર હાલતનો ચિતાર આપતો જાતે બનાવેલો વીડિયોએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં રાણાગઢ ગ્રામ પંચાયત કચેરીના છતમાંથી પોપડા પડતા હોવાની સાથે કૂતરાઓના અડીંગા વચ્ચે પારાવાર ગંદકીથી ખદબદતી આ ગ્રામ પંચાયત કચેરીમાં સામાન્ય માનવી માટે જવું એ દુષ્કર સમાન બાબત છે.
આ અંગે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામ આશરે 10,000ની વસ્તી ધરાવતા આ ગામની ગ્રામ પંચાયતની હાલત વાઇબ્રન્ટ ગુજરાતના અમૃત્મ હોત્સવના અમૃતકાળની અસલિયત બયાન કરે છે. આ ગામના સરપંચ હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ લીંબડી તાલુકાના છે. છતાં લીંબડી તાલુકાની સૌથી મોટી રાણાગઢ ગ્રામ પંચાયત કચેરીની બિસ્માર હાલત સરકારની ઘોર નિષ્ફળતાની ગવાહી પુરી પાડે છે અને તેની ખાસ નોંધ લેવી પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.