પાલિકાનો આ કેવો નિયમ !:સુરેન્દ્રનગર પાલિકામાં પ્લોટ માલિક પાસેથી રૂ. 100 વસૂલાય પણ વરસાદી પાણી ખાલી થયું કે નહીં, તે નહીં જોવાનું!

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 દિવસથી શહેરમાં વરસાદ પડ્યો નથી છતાં અંદાજે 400થી વધુ ખાનગી પ્લોટમાં પાણી ભરાયેલાં છે

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકામાં રહેતા લોકો માટે ખાસ કરીને ચોમાસાના સમયમાં સૌથી મોટી સમસ્યા બની જતી હોય તો તે છે પ્લોટમાં ભરાયેલા વરસાદી પાણી. આ સમસ્યાનો શહેરીજનો વર્ષોથી સામનો કરતા આવ્યા છે છતાં તેનો આજ દિવસો સુધી હલ આવ્યો નથી. ત્યારે અત્યારે છેલ્લા 23 દિવસથી શહેરમાં વરસાદ પડ્યો નથી તેમ છતા શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે 400 થી વધુ ખાનગી પ્લટમાં ભરાયેલા પાણી લોકો માટે આફત રૂપ બની ગયા છે.

ચોમાસાના સમયમાં પાણીના નિકાલની મોટી સમસ્યા
સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત વિસ્તારમાં ચોમાસાના સમયમાં પાણીના નિકાલની મોટી સમસ્યા છે. તેમાં પણ શહેરના છેવાડે આવેલા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા હોય છે. આ વર્ષના ચોમાસામાં શહેરી વિસ્તારમાં હજુ સુધી એક સાથે ધાબડીયો વરસાદ આવ્યો નથી. છતાં વરસાદ થયો હતો ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાથી મુશ્કેલી સર્જાઇ હતી. તેમા પાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટર તથા પાણી નિકાલની વ્યવસ્થાને કારણે થોડી ઘણી રાહત થઇ હતી. છતાં અનેક લોકોએ વરસાદી પાણીની મુશ્કેલીનો સામનો કર્યો હતો.

અનેક વાર રજૂઆતો કરી છે છતાં તંત્ર ઘોર નીંદ્રામાં
આવા સમયે શહેરમાં છેલ્લે 12 ઓગસ્ટના દિવસે અડધો ઈંચ વરસાદ થયો હતો. ત્યાર બાદ નોંધનીય વરસાદ પડ્યો નથી. આમ શહેરમાં વરસાદ થયાને 23 દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં અનેક વિસ્તારમાં આવેલા ખાનગી પ્લટમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેને લઇને અનેક રહિશો હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે જુદા જુદા વિસ્તારના લોકોએ પાલિકામાં અનેક વાર રજૂઆતો કરી છે છતાં આજ દિવસો સુધી આ ખાનગી પ્લોટમાં પાણી નિકાલની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.

પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની: લોકો
ચોમાસાને કારણે સતત ભરાયેલા રહેલા પાણીને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે. સાથે સાથે જીવ જંતુનો પણ ત્રાસ વધતો હોવાની લોકો ફરિયાદ કરી રહયા છે. ત્યારે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે પ્લોટ માલિકની હોવા અંગેની જાહેરાત આપીને હાથ ઉચા કરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

100માં આખુ વર્ષ પાણી નિકાલ નહીં કરવાનો જાણે પરવાનો મળ્યો હોય
વરસાદી પાણીના ભરાવા માટે પાલિકાને કડક કાર્યવાહી કરવાની કોઇ સત્તા જ નથી.પાલિકા આવા ખાનગી પ્લોટ માલિકોને નોટિસ આપીને તેમની પાસેથી માત્ર રૂ.100નો વહીવટી ચાર્જ જ વસૂલી શકે છે. રૂ.100ના ચાર્જમાં જાણે માલિકને આખુ વર્ષ પાણીનો નિકાલ નહીં કરવાનો પરવાનો મળી જતો હોય તેવી સ્થિતિ સર્જાય છે.

ફરિયાદ આપે તો કાર્યવાહી કરીશું
શહેરમાં પાલિકાની જગ્યા કે જાહેર જગ્યાઓ ઉપર ભરાયેલા પાણીના નિકાલ કરવાની જવાબદારી પાલિકાની છે. પોતાની માલિકીના પ્લોટ છે તેમાં ભરાયેલા પાણીનો નિકાલ જે તે માલિકે કરવાનો હોય છે. આ માટે અમોએ જાહેરાત આપીને શહેરના પ્લોટ માલિકોને તાકીદ કરી છે. છતાં આવી સમસ્યા હોય તો અમને પ્લોટ માલિકના નામ સાથે ફરિયાદ આપે તો અમે કાર્યવાહી કરીશું. > સાગર રાડિયા, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...