નિવૃત્ત TDOનું 'મિશન એજ્યુકેશન':સુરેન્દ્રનગરમાં રણકાંઠાનાં ગામોના ઉમેદવારો માટે હોસ્ટેલની સુવિધા સાથે નિઃશુલ્ક LRD અને PSIના કોચિંગ ક્લાસ ચાલે છે

સુરેન્દ્રનગર8 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
  • પાટડીના ખારાપાટ વણકર સમાજ ભવન ખાતે ઉમેદવારો માટે કોચિંગ ક્લાસ શરૂ કરાયા
  • 39 વર્ષની સરકારી નોકરી બાદ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી વી.એચ.મકવાણાએ યુવાઓમાં શિક્ષણની જ્યોત જગાવી

સામાન્ય રીતે લોકો નિવૃત્તિ બાદ આરામ કરવામાં, મંદિરે દર્શન કરવામાં કે જાત્રા કરીને પુણ્ય કમાવામાં સમય વ્યતીત કરતા હોય છે. ત્યારે મૂળ પાટડી તાલુકાના રસુલાબાદના, હાલ પાટડીમાં રહેતા અને વઢવાણ તાલુકામાંથી એક વર્ષ અગાઉ નિવૃત્ત થયેલા વઢવાણના નિવૃત્ત ટીડીઓ રણકાંઠાનાં 92 ગામનાં યુવકો અને યુવતીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. હાલ 74 ઉમેદવારોને PSI અને કોન્સ્ટેબલની સરકારી નોકરી માટે વિનામૂલ્યે ફિઝિકલ અને લેખિત પરીક્ષાની ટ્રેનિંગ આપી અન્ય લોકોને અનોખો રાહ ચીંધી રહ્યા છે. આ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી દ્વારા યુવાઓને પાટડીના ખારાપાટ વણકર સમાજ ભવન ખાતે રહેવા-જમવાની સુવિધા સાથે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.

હાલ પાટડી લક્ષ્મીનગર ખાતે રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી વી.એચ.મકવાણાએ 1982માં સરકારી નોકરીની શરૂઆત કરી હતી. એમાં સૌપ્રથમ પછાત એવા બનાસકાંઠાના સાંતલપુર તાલુકામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ત્યાર બાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ખેતીવાડી શાખામાં ગ્રામ સેવક તરીકે અને બાદમાં વિસ્તરણ અધિકારી તરીકે 32 વર્ષ સેવા બજાવી હતી. ત્યાર બાદ ખાતાકીય પરીક્ષા આપી તાલુકા વિકાસ અધિકારી તરીકે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં બે વર્ષ સેવા બજાવવાની સાથે છેલ્લે છ મહિના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી.

39 વર્ષની સરકારી નોકરી બાદ યુવાઓને પ્રશિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું
ગત 30 જૂનના રોજ 39 વર્ષ અને 6 મહિનાની સરકારી નોકરી બાદ વી.એચ મકવાણા સેવા નિવૃત્ત થયા, પણ આ સરકારી નોકરી દરમિયાન વતન પાટડી તાલુકાનાં 92 ગામમાં અનુસૂચિત જાતિ સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવાનું સેવાકીય કામ અવિરત કર્યું. નિવૃત્તિ બાદ પાટડી ખાતે આવેલા ખારાપાટ વણકર સમાજ ભવનના ટ્રસ્ટીઓ સાથે મીટિંગ કરી તેમની સહમતીથી સમાજનાં બેરોજગાર યુવા-યુવતીઓ માટે વિનામૂલ્યે રહેવા-જમવાની સગવડ સાથે કોચિંગ ક્લાસ શરૂ કરવાની દરખાસ્ત મૂકી હતી.

વણકર સમાજના આગેવાનોની મળી મદદ
નિવૃત્તિના સમયગાળાનો સદુપયોગ કરી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને જ આ સેવાયજ્ઞની શરૂઆત કરી અને લોકોના સહયોગ થકી નાનીએવી આ યોજના આજે વિશાળ વટ વૃક્ષ સમાન બની ગઇ છે. આ સેવાયજ્ઞમાં સમાજના કેટલાક લોકોએ વિનામૂલ્યે સાહિત્યની સેવા તો કેટલાક મોભીઓએ અન્ય સાધન-સામગ્રીની સહાય કરી હતી. રણકાંઠાનાં 92 ગામનાં યુવકો અને યુવતીઓને તેઓ તાલીમ આપી ચૂક્યા છે. હાલમાં 58 યુવક અને 16 યુવતી મળી કુલ 74ને PSI અને કોન્સ્ટેબલની સરકારી નોકરી માટે વિનામૂલ્યે ફિઝિકલ તથા લેખિત પરીક્ષાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

હોસ્ટેલમાં ઉમેદવારો માટે ખાવાની પણ સુવિધા અપાય છે.
હોસ્ટેલમાં ઉમેદવારો માટે ખાવાની પણ સુવિધા અપાય છે.

પોતાનાં ચારેય બાળકોને ભણાવી ઊંચી પોસ્ટ પર કાર્યરત કરાવ્યા
નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી વી.એચ.મકવાણાને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમની મોટી દીકરી આદિપુરમાં આઇસીડીએસ વિભાગમાં છે, જ્યારે નાની દીકરી હિના મકવાણા અમદાવાદ આંતકવાદવિરોધી દળ (એટીએસ)માં ASI તરીકે ફરજ બજાવે છે, જ્યારે એક દીકરો રાજપીપળામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો દીકરો મિકેનિકલ એન્જિનિયર છે.

સમાજના સહકારથી આ યોજનાને પ્રચંડ પ્રતિસાદ મળ્યો: વી.એચ.મકવાણા
ખારાપાટ વણકર સમાજ ભવન પાટડી ખાતે "મિશન એજ્યુકેશન" અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાઓ માટે સરકારની વિવિધ ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 1લી સપ્ટેમ્બરથી રહેવા-જમવાની સુવિધા સાથે નિ:શુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ બેચમાં કુલ 30 યુવક તથા 8 યુવતી કુલ 38 યુવાએ જનરલ બેચની તાલીમ પૂર્ણ કરી હતી. હાલ સરકારની જાહેરાત મુજબ લોકરક્ષક દળની ભરતી થવાની છે. સમાજના પોલીસમાં ભરતી થવા ઇચ્છુક યુવાઓ અને તેમના વાલીઓની લાગણી-માગણીને ધ્યાનમાં રાખી PSI/કોન્સ્ટેબલની ફિઝિકલ-લેખિત પરીક્ષાની તૈયારી માટે બીજી બેચ તારીખ 25 ઓક્ટોબરથી શરૂ કરાઈ છે.

શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો.
શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો.

હાલમાં 74 ઉમેદવાર વિનામૂલ્યે તાલીમનો લાભ લઈ રહ્યા છે
PSI/કોન્સ્ટેબલની ઉમેદવારી કરનારા ઉમેદવારોની ફિઝિકલ ચકાસણી કરી નવા તાલીમાર્થીઓનો સમાવેશ કરી તારીખ 9 નવેમ્બરથી 58 યુવક તથા 16 યુવતી મળી કુલ 74 તાલીમાર્થીઓ વિનામૂલ્યે તાલીમ લઇ રહ્યા છે, જેમાં રખિયાણા, દાલોદ, ખારાગોઢા, જૈનાબાદ, ચીકાસર, વીસાવડી, વરમોર, ગવાણા, મોટા ગોરૈયા, બુબવાણા, બામણવા, ગોરિયાવાડ, વણી, કાકરાવાડી, મીઠાગોઢા, અંબાળા, વિંઝુવાડા, કોચાડા, સુશિયા, રસુલાબાદ, વણોદ, સડલા, વનપરડી, સાવડા, માલણપુર અને પાટડી સહિતનાં ગામના યુવાઓ તાલીમ લઈ રહ્યા છે. સમાજના સાથસહકારથી આ કામગીરી "મિશન એજ્યુકેશન"ના નામથી શરૂ કરવામાં આવી છે.