તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરેન્દ્રનગરની આંગડિયા પેઢી સાથે રૂ.24.62 લાખથી વધુ છેતરપિંડી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર અને દિલ્હીના શખ્સે મળીને ચૂનો લગાવ્યો
  • નાણાંનો 2-3 વાર વ્યવહાર કરી પૈસા ચૂકવી આપીને આંગડિયા પેઢીના માલિકને વિશ્વાસમાં લઈ છેતર્યા

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલી વિશ્વમ આંગડિયા પેઢીના માલિક સાથે સુરેન્દ્રનગર અને દિલ્હીના શખ્સે રૂ.24.62 લાખથી વધુની રકમની છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનાર પેઢીના માલિકે આ બાબતે બે શખ્સો વિરૂધ્ધ સિટી પોલીસ મથકે કેસ દાખલ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાની સાથે બહારના રાજયોમાં વેપાર કરતા લોકો ખુબ જ ઝડપથી સામેના વેપારીને પૈસા મળી જાય તે માટે આંગડીયા પેઢીનો ઉપયોગ કરતા હોય છે. અને આથી જ શહેરમાં અનેક આંગડિયાની પેઢીમાં દરરોજ લાખો રૂપીયાની જુદા જુદા શહેરોમાં ડિલવરી કરવામાં આવતી હોય છે. મોટાભાગે આંગડિયાનો વહીવટ રોકડો જ થતો હોય છે. આ પેઢીમાં રૂપિયા આપો પછી જ સામેની પેઢીથી રૂપિયાનું ચૂકવણુ થતુ હોય છે. પરંતુ સુરેન્દ્રનગરની વિશ્વમ આંગડિયા પેઢીને 2 શખ્સો વિશ્વાસમાં લઇને રૂ.24.62.703 રૂપિયાનો ચૂંનો લગાવી ગયાની ઘટના બની હતી.

વિશ્વમ આંગડિયા પેઢીના માલિક ચૈતન્યદેવસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ગતા 12 જૂને ચંદ્રેશભાઇ નામનો શખ્સ પોતાની મહેતા માર્કેટ ખાતેની પેઢીએ આવ્યો હતો અને દિલ્હીમાં આવેલી એન.આર.એન્ટરપ્રાઇઝમાં ભરતભાઇને રૂ.5 લાખ મોકલવાના છે. રોકડ રકમની સાથે આંગડિયાનું કમિશન જમા કરાવી દીધુ હતુ. બાદમાં હળવદની એચ.એમ.એન્ટરપ્રાઇઝમાં રૂ.1 લાખ, ધ્રાંગધ્રામાં રૂ.1.15 લાખ ચૂકવવાનું કહી રૂપિયા આપવાનું કહ્યુ હતુ.

અગાઉના રૂપિયા આપી દીધા હોય આંગડિયાની પેઢીના માલિક ચંદ્રેશભાઇના વિશ્વાસમાં આવી ગયા હતા. પહેલા વિશ્વાસમાં લઇને દિલ્હી સહિતની જગ્યાઓએ અલગ અલગ સમયે ભરતભાઇને રૂપિયા આપવાનું કહ્યુ હતુ. પેઢીએ ચંદ્રેશભાઇના કહેવા પ્રમાણે સામેની વ્યકિતને રૂપિયા ચૂકવી આપ્યા હતા. બાદમાં જ્યારે પૈસા લેવા માટે પેઢીને ચંદ્રેશભાઇનો સંપર્ક કર્યો તો ફોન બંધ આવતો હતો. દિલ્હીમાં જે વ્યકિતના નામે પૈસા આપ્યા હતા તે ભરતભાઇના ફોનથી સંપર્ક કરતા તેમનો પણ નંબર બંધ આવતો હતો.

આથી બંનેએ સાથે મળીને પોતાની સાથે છેતરપીંડી કરી હોવાની પેઢીના માલિકને જાણ થઇ હતી. જેને લઇને બંને ગઠીયાઓ વિરૂધ્ધ સિટી પોલીસ મથકે રૂ.24.62.703 રૂપિયાની છેતરપીંડી કરવાનો ગુનો દાખલ કરાયો છે. જેને આધારે પોલીસે બંને આરોપીઓનું પગેરૂ દબાવવા માટે દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...