બજાણા તથા ધાંગધ્રા ઘુડખર અભયારણ વનવિભાગ ટીમે અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ માલવણથી દબોચ્યા હતા. વન વિભાગની ટીમે પક્ષીઓ પકડવાની જાળ, ગીલોળ, ઘાતક હથિયારો સાથે મહારાષ્ટ્રથી આયુર્વેદિક દવાનું વેચાણ કરવા આવેલા ચાર શખ્સોની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પાટડીના બજાણા ખાતે આવેલા ઘુડખર અભ્યારણ વિસ્તારમાં હાલ વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. ત્યારે આ વિદેશી પક્ષીઓનો ગેરકાયદેસર શિકાર થતો અટકાવવા ઘુડખર અભયારણના ડી.એફ.ઓ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ બજાણા ઘુડખર અભ્યારણ રેન્જના આર.એફ.ઓ અનિલભાઇ રાઠવા તથા બજાણા અને ધાંગધ્રા અભ્યારણ વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માલવણ ચોકડી ખાતે શંકાસ્પદ ટ્રેક્ટર નીકળતા તેને અટકાવી તપાસ કરતાં ચાર શખ્સો પક્ષીઓનો શિકાર કરવાની ગીલોળ, જાળી, ઘાતક હથિયારો સહિતની સામગ્રી સાથે મળી આવ્યા હતા.
મહારાષ્ટ્ર રાજ્યના જાલગુનના ચાલીસ ગામના વતની અને હાલ ગુજરાતમાં આયુર્વેદિક દવાનું વેચાણ કરતો વિક્રમ ચિત્રોડીયા, ભગવાન ચૌહાણ, કોમલ ચિત્રોડીયા અને રાજુ ચિત્રોડીયાની બજાણા તથા ધાંગધ્રા ઘુડખર અભ્યારણ ટીમ દ્વારા અટકાયત કરી તેઓ અભ્યારણ વિસ્તારમાં ઘૂસણખોરી કરે તે પહેલા જ સમયસૂચકતા સાથે પક્ષીઓનો શિકાર થતો અટકાવવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ વનવિભાગની ટીમની આ કામગીરીને આવકારી હતી. હાલમાં બજાણા અભ્યારણ વિભાગની ટીમે ચારેય આરોપીઓ વિરુદ્ધ શિકાર અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.