દારૂની હેરાફેરી ઝડપાઇ:પાટડીના માલવણ હાઇવે પરથી કાચની વસ્તુઓની આડમાં છુપાવીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 32.74 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટડીના માલવણ હાઇવે પર મોટી મજેઠી ગામ પાસેથી કાચની વસ્તુઓની આડમાં છુપાવીને લઇ જવાતો વિદેશી દારૂની 10,690 બોટલો સાથે આઇશર ગાડી ઝડપાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર એલસીબીએ વિદેશી દારૂના જથ્થા અને આઇશર ગાડી, કવરીંગ માટે વપરાયેલી કાચની ચીજવસ્તુઓ અને મોબાઇલ સાથે રૂ. 32.74 લાખના મુદામાલ સાથે એક શખ્સ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી હતી
સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાસ પેટ્રોલિંગ હાથ ધરી એક લાલ કલરની બંધ બોડીવાળું અશોલ લેલેન્ડ કંપનીની આઇસર ગાડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો કવરીંગની આડમાં વિરમગામથી વાયા માલવણ થઇ કચ્છ ભૂજ તરફ જઇ રહ્યો છે.
પોલીસે છટકું ગોઠવી દારૂ ઝડપ્યો
જેથી બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીની ટીમે માલવણ હાઇવે પર મોટી મજેઠી ગામ પાસે છટકું ગોઠવી ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલી આઇસર ગાડીને આંતરીને સઘન તલાશી લેતા આઇસર ગાડીમાં કાચની વસ્તુઓની આડમાં ચોરખાનામાં છુપાવેલો ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.

32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર એલસીબીએ આ દરોડામાં ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 9274 તથા બીયર ટીન નંગ- 1416 મળી કુલ રૂ. 22,54,300ની કિંમતનો વિદેશી દારૂ, રાજસ્થાન પાસીંગની આઇસર ગાડી કિંમત રૂ. 10,00,000, કવરીંગ માટે વપરાયેલી કાચની ચીજવસ્તુઓ કિંમત રૂ. 15,000 તથા મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 32,74,300ના મુદામાલ સાથે આઇસર ગાડીના ચાલક થાનારામ મગારામ જાટ ચૌધરી ( રહે- કુડાલા, નેહરો કી ઢાણી, તા. સીંધરી, જિલ્લો- બાડમેર (રાજસ્થાન)વાળાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા રાજસ્થાનના આરોપીએ આ વિદેશી દારૂનો જથ્થો શેઠજીના કહેવાથી સુરત ખાતે લઇ મુંદ્રા ખાતે લઇ જવાનો હોઇ આઇસર ગાડીના ચાલકને ઝબ્બે કરી બજાણા પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી આ કેસના અન્ય આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડોમાં પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, દિલીપભાઇ, જયેન્દ્રસિંહ અને સંજયભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...