કોણ બાજી મારશે?:દસાડા વિધાનસભા અનામત સીટની ચૂંટણીમાં પહેલી વખત જ ત્રિપાંખિયો જંગ જામશે

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણીમાં દસાડા વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે દસાડા વિધાનસભા અનામત સીટની ચૂંટણીમાં પહેલી વખત જ ત્રિપાંખિયો જંગ જામશે.

સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 60માં નંબરની બેઠક છે. દસાડા બેઠક SC અનામત બેઠક છે. દસાડા બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. દસાડા બેઠકમાં સમસ્ત દસાડા તેમજ લખતર તાલુકો અને લીંબડી તાલુકાના ઉત્તર વિભાગના 17 ગામોનો સમાવેશ થાય છે. દસાડા બેઠકમાં કુલ 2,59,604 મતદારો નોંધાયેલા છે.

દસાડા બેઠકની ઉત્તરે પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકમાં સામેલ શંખેશ્વર તાલુકો, પૂર્વમાં મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક, અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠકમાં સામેલ માંડલ અને વિરમગામ તાલુકાઓ તેમજ અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠકમાં સામેલ બાવળા તાલુકો, દક્ષિણમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક અને પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તેમજ ધ્રાંગધ્રા બેઠકો અને કચ્છનુ નાનું રણ આવેલા છે.

દસાડા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. દસાડા બેઠક 1972ની ચૂંટણી સુધી સામાન્ય બેઠક હતી. 1975ની ચોથી ચૂંટણીથી દસાડા બેઠક SC માટે અનામત કરવામાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નૌશાદ સોલંકી ભાજપના સિનિયર લીડર રમણલાલ વોરા સામે 3728 મતની સરસાઈથી જીત્યા હતા.

આમ, દસાડામાં અત્યાર સુધી થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ 6 વાર, ભાજપ 5 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ અને અપક્ષ 1-1 વાર વિજયી થયા છે. દસાડાના પહેલાં ધારાસભ્ય રસીકલાલ પરીખ 1954થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા, જ્યારે તેઓ 1લી, 2જી અને 5મી લોકસભામાં સુરેન્દ્રનગર બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. રસીકલાલ પરીખ જીવરાજ મહેતાની સરકારમાં ગુજરાતના પહેલાં ગૃહ અને મહેસુલ મંત્રી હતા. તેમણે ઉદ્યોગ મંત્રી તરીકે પણ કામગીરી સંભાળી હતી. જ્યારે ભાજપમાંથી 3 વાર ચૂંટાયેલા ફકીરભાઈ વાઘેલા રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતા.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસાડા તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકોમાંથી ભાજપને 14 અને કોંગ્રેસને 08 બેઠકો મળી હતી, જ્યારે લખતર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપને 11 અને કોંગ્રેસને 05 બેઠકો મળી હતી.

આમ, દસાડા બેઠક કોને ફાળે જશે ? એ કહેવું ખૂબ મુશ્કેલ છે. દસાડા જીતવા કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેયએ એડીચોટીનું જોર લગાવવું પડશે. દસાડા વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

આ બેઠકનો ઈતિહાસ જોઈએ તો

વર્ષ વિજેતા. પક્ષ. સરસાઈ

 • 1962 રસીકલાલ પરીખ કોંગ્રેસ 14537
 • 1967 સી.સી. પોપટલાલ સ્વતંત્ર પક્ષ 4671
 • 1972 બી. ઈન્દ્રસિંહજી ઝાલા કોંગ્રેસ 7555
 • 1975 ભીમાભાઈ રાઠોડ અપક્ષ 4075
 • 1980 શાંતાબેન ચાવડા કોંગ્રેસ 14985
 • 1985 ચંદ્રાબેન શ્રીમાળી કોંગ્રેસ 11092
 • 1990 ફકીરભાઈ વાઘેલા ભાજપ 3915
 • 1995 ફકીરભાઈ વાઘેલા ભાજપ 22684
 • 1998 ફકીરભાઈ વાઘેલા ભાજપ 23148
 • 2002 મનહરભાઈ મકવાણા કોંગ્રેસ 613
 • 2007 શંભુપ્રસાદ ટૂંડિયા ભાજપ 4066
 • 2012 પુનમભાઈ મકવાણા ભાજપ 10640
 • 2017 નૌશાદજી સોલંકી કોંગ્રેસ 3728
અન્ય સમાચારો પણ છે...