પુરવઠા તંત્રનો નિર્ણય:સુરેન્દ્રનગરમાં OTP દ્વારા અનાજ વિતરણ બંધ હવે 100 ટકા બાયોમેટ્રીક સીસ્ટમથી વિતરણ કરાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં  OTP દ્વારા અનાજ વિતરણ બંધ હવે 100 ટકા બાયોમેટ્રીક સીસ્ટમથી વિતરણ કરાશે - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં OTP દ્વારા અનાજ વિતરણ બંધ હવે 100 ટકા બાયોમેટ્રીક સીસ્ટમથી વિતરણ કરાશે
  • OTP દ્વારા અનાજ વિતરણમાં ગોલમાલ બહાર આવતા નિર્ણય કરાયો
  • જિલ્લામાં 29 દુકાનોના પરવાના ગોલમાલ બદલ 3 માસ માટે રદ કરાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસો પહેલા ઓટીપીથી અનાજ વિતરણ વ્યવસ્થામાં મસમોટી ગોલમાલ બહાર આવી હતી. જેમાં 29 દુકાનોના પરવાના 3 માસ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારે આ બનાવ બાદ પુરવઠા તંત્ર સફાળુ જાગ્યુ છે અને હવે 100 ટકા અનાજ વિતરણ બાયોમેટ્રીક સીસ્ટમથી આપવા આદેશો છુટ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ પહેલાથી એટલે કે, તા. 31-03-2018થી આધાર આધારીત અનાજ વિતરણ વ્યવસ્થા અમલી છે. જેમાં કોરોનાના સમયે લોકોના અંગુઠા લેવાથી કોરોના ફેલાવાનો ભય હોવાથી સરકારે ઓટીપીથી અનાજ વિતરણ વ્યવસ્થાની મંજૂરી આપી હતી. પરંતુ આ રીતે અનાજ વિતરણ કરવામાં મોટી ગોલમાલ થઈ હોવાની વિગતો તાજેતરમાં બહાર આવી હતી. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાની 29 દુકાનોના પરવાના 3 માસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ ગોલમાલ કરનારા સામે કાર્યવાહીના બદલે અન્ય દુકાનદારો પર ગાજ ગીરી છે.

જેમાં પુરવઠા તંત્રે આદેશો જારી કરીને હવે 100 ટકા બાયોમેટ્રીક સીસ્ટમથી અનાજ વિતરણ કરવાના આદેશો કર્યા છે. જેમાં જો કોઈ વૃદ્ધ અને અશકત હોય તો તેવા વ્યક્તિઓના નામ અને નંબર મામલતદારને તા. 10 સુધી પહોંચતા કરવાના અને ખરાઈ બાદ તેઓને ઓટીપીથી વિતરણ કરવાના આદેશ થયા છે. તંત્રના આ નિર્ણયથી ખોટુ નહીં કરનારા દુકાનદારો પણ મુંઝવણમાં મુકાયા છે. દુકાનદારોના જણાવાયાં મુજબ સસ્તુ અનાજ લેવા તો લોકો ગમે ત્યારે મહીનામાં આવે છે. તો તેઓના નામ તૈયાર કરી તા. 10 પહેલા દેવાના અને ત્યારબાદ તે લેવા આવે ત્યારે તેમને ના પાડવાથી દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થવાની શકયતા રહેલી છે.

પુરવઠા વિભાગે આ નિર્ણય લેતા પહેલા દુકાનદારોની સમસ્યા પણ સાંભળવી જોઈએ. હાલ તો પુરવઠા તંત્રના આ નિર્ણયથી દુકાનદારોની સમસ્યા ઘટવાના બદલે વધી છે. તેમાં પણ જે 29 દુકાનોના પરવાના સસ્પેન્ડ થયા તેમના કાર્ડ પણ નજીકની દુકાનોમાં ગયા છે અને તેમના ગ્રાહકોને પણ અનાજ વિતરણ કરવુ પડશે. ત્યારે આવી વિકટ સ્થીતીમાં પુરવઠા તંત્રના નિર્ણયથી દુકાનદારોમાં રોષ ફેલાયો છે.

ગાંધીનગરથી તપાસ જરૂરી

ગઈકાલે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓ સાથે ખાનગી રાહે બેઠક કરી હોવાની પુરવઠા વિભાગ અને વેપારીઓ સાથે મિલીભગત હોવાનું સ્પષ્ટ થતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો છે. ત્યારે હાલમાં એક સમિતિમાંથી 144 જેટલા કુપનો મળી આવ્યા હોવા છતાં પણ તેની સામે તપાસ કે કોઇ કાર્યવાહી નહી થઈ હોવાનું હાલમાં અંદરો અંદર ચર્ચામાં ચાલી રહ્યું છે.

800 રાશનકાર્ડ હોલ્ડર પર, ક્રોસ ચેકિંગ બાદ કેટલાંક રદ્દ થવા સંભવ

જાહેર વિતરણ વ્યવસ્થામાં છીંડા શોધીને ગેરરીતિ કરનારાઓએ હવે દિવ્યાંગો અને વૃધ્ધો- અશક્તો માટે આશીર્વાદરૂપ એવી ગાર્ડિયન પ્રથાને પણ છોડી નહીં હોવાનું બહાર આવતાં રાજ્યભરમાં આવા 800 જેટલાં શંકાસ્પદ રાશનકાર્ડ હોલ્ડરો પર વોચ રાખીને ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ઓટીપી આધારિત અનાજ વિતરણ સુરેન્દ્રનગર જિલ્લા પૂરતું હાલ બંધ કરાવાયું છે. લાભાર્થી પરિવારોના સભ્યોનું આધારકાર્ડ સીડિંગ ઘણું ખરૂં થઈ જતાં અને બાયોમેટ્રિક સીસ્ટમથી જ અનાજ વિતરણનું પ્રમાણ વ્યાપક બનતાં કાળા બજારિયા તત્વો એક પછી એક નવા રસ્તા અપનાવી રહ્યા છે.

મોબાઈલ ઓટીપી પર માલ આપવાની જોગવાઈનો ગેરલાભ લેવો એ પણ આ પૈકીનો એક નુસ્ખો જ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાંક વેપારીઓએ કાર્ડનાં નંબર પરથી બિલ બનાવી આપનાર સાથે સાંઠગાંઠ રચીને સરકારી અનાજ ઓળવી લીધાનું ધ્યાન પર આવતાં તંત્રએ પગલાં લેવા માંડયા છે. એક જ મોબાઈલ નંબર પર રાશનકાર્ડ હોલ્ડર અનેક પરિવારોના ઓટીપી આવતાં અને તે આધારે તેનાં નામે અનાજ ઉધારી દેવામાં આવતું હતું. કેટલાંક લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતી ઓટીપી પ્રથા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.

બીજી તરફ, જે અશક્ત અને દિવ્યાંગ લાભાર્થીઓ અનાજ મેળવવા રાશન શોપ સુધી પહોંચી નથી શકતાં તેમના માટે પાલક સભ્ય પ્રથાની એવી આવકાર્ય જોગવાઈ છે કે, આવા લાભાર્થીના કોઈ પરિવારજન કે પડોશી તેમના ગાર્ડિયન તરીકે સસ્તાં અનાજની દુકાને જઈને અનાજ મેળવી તે દિવ્યાંગ- અશક્તોને ઘેર પહોંચાડી આપે છે. સુરેન્દ્રનગર કૌભાંડ વખતે તેમાં પણ ગોલમાલ માલૂમ પડતાં પુરવઠા વિભાગે ચકાસણી કરી તો રાજ્યભરમાં 800 કાર્ડ એવા નીકળ્યા, જેમાં એકથી વધુ પરિવારોના ’ગાર્ડિયન’ એક જ હોય ! આથી, હાલ આ કાર્ડ હોલ્ડ પર રાખી દઈને ક્રોસ ચેકિંગ ચાલી રહ્યું છે. તેમ જણાવી પુરવઠા વિભાગના ડાયરેક્ટર તુષાર ધોળકિયાએ જણાવી ઉમેર્યું કે, એનઆઈસી પાસેથી ક્ન્ફર્મેશન આવે પછી સંસ્થાઓ સહિતના- શંકાસ્પદ ન હોય એવા કાર્ડ ચાલુ રાખીને બાકીના કદાચિત રદ્દ પણ કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...