હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનાની દીવાલ પડતા 12 શ્રમિકોના મોત થયા હતા. આ અતિ દુઃખદ અને કરુણ ઘટનાને પગલે હળવદ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે આજે દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હળવદની તમામ બજારો સજ્જડ બંધ રહી હતી. તમામ વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી ભારે હૈયે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનાની દીવાલ ગઈ કાલે અચાનક ધરાશાયી થતા 12 જેટલા શ્રમિકોના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જેથી હળવદ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. કઠોર દિલના માનવીનું પણ હ્રદય હચમચી જાય તેવી આ કરુણ અને દુઃખદ ઘટનાથી સમગ્ર હળવદ પંથક ઊંડા આઘાતમાં સરી પડ્યું હતું. જોકે, દુઃખની આ ઘડી વખતે ગઈ કાલે જ હળવદના વેપારીઓએ સંવેદના વ્યક્ત કરીને મૃતકના પરિવારજનો અને ઇજાગ્રસ્તોની વ્હારે દોડી ગયા હતા. તેમજ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલમાં પણ રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. વેપારીઓ દ્વારા મૃતકના પરિવારજનો સહિતના લોકો માટે પાણી સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કરુણ ઘટનાને લઈને હળવદના તમામ વેપારીઓ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રધાંજલિ આપવા માટે હળવદના તમામ વેપારીઓએ આજે અડધો દિવસ શોક પાળવાનું નક્કી કર્યું હતું. એ મુજબ આજે સવારથી બપોર સુધી હળવદની તમામ બજારો શોકમય બંધ રહી હતી. આ અંગે હળવદના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાથી સમગ્ર માનવ જાતનું હૃદય દ્રવી ઉઠ્યું છે. વેપારીઓએ પણ આ હૃદય દ્રાવક ઘટનાને લઈને ઊંડો આઘાત વ્યક્ત કરી અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી શોક સભા યોજીને મૃતકોને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.