સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ચાર બાળકી સહિત પાંચના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. બાળકીઓ અને બાળક આજે બપોરના સમયે તળાવડીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ તમામ લાપત્તા બન્યા હતા. એક બાળકીના પિતા તળાવ આસપાસ તપાસ કરી રહ્યા હતા ત્યારે જ તળાવમાં મૃતદેહ જોતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી એક બાદ એક પાંચેય બાળકોની લાશો મળી આવી હતી.
આ બાળકો મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં ન્હાવા ગયા હતા. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે. એક સાથે પાંચ બાળકોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ડૂબી જતાં ચાર બાળકી સહિત પાંચના મોતથી ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
'એક બાળકીની લાશને તરતી જોઇને બાળકીના પિતાને ઘટનાની જાણ થઇ'
આ અંગે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના સરપંચ રંજનબા ઝાલાએ DB ડિજિટલને જણાવ્યું કે, ખેતમજૂરી કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો રોજ આ તળાવમાં ન્હાવા જતા હતા. અને આજે રોજિંદી ક્રિયા પ્રમાણે આ તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી ચાર બાળકી અને એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં બાળકો જોવા ન મળતા એક પરિવારના પિતા પારસીંગભાઇ તળાવ બાજુ છોકરાઓને જોવા જતા તળાવમાં એક બાળકીની લાશને તરતી જોઇને એમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકતો દોડી આવ્યા હતા. લોકોએ પાંચેય બાળકોની લાશોને એક પછી એક બહાર કાઢતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.
મૃતકોના નામ
પારસીંગભાઇ આદિવાસી છોટા ઉદેપુર જિલ્લાના બોડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પ્રતાપભાઈ આદિવાસી મધ્યપ્રદેશના હરીરાજપુર જિલ્લાના ગમતા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીની તરતી લાશ કોઈએ જોઈ ન હોત તો ઘટનાની ખબર જ ન પડી હોત - સરપંચ
આ તળાવમાં ચોમાસાના લીધે થોડું ઘણુ પાણી છે. વધુમાં આ તળાવને ફરતે બાવળીયા ઉગી નીકળ્યા છે. આથી બાળકીની તરતી લાશને ના જોઇ હોત તો આ ગોઝારી ઘટનાની કોઇનેય ના ખબર પડત. વધુમાં ગ્રામજનો દ્વારા પાંચેયની લાશોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ વરસાદ ચાલુ થઇ ગયો હતો. બીજી બાજુ ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર પોલીસ સ્ટાફ અને બે 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં આ પાંચેય માસૂમોને કાળ ભરખી ગયો હતો. આદિવાસી પરિવારોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પોલીસ તંત્ર દ્વારા પાંચેય માસૂમ બાળકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મેથાણ ગામે આ ગોઝારી ઘટનાની જાણ થતાં મેથાણ ગામના મહિલા સરપંચ રંજનબા ઝાલા સહિતના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ગરીબ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.