ઝીંઝુડા ડ્રગ્સ કેસ:પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરાઇ, અગાઉ 120 કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝબ્બે કરાયા હતા

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • ઝીંઝુડાથી ઝડપાયેલા આરોપીઓની કબુલાતના આધારે પંજાબના પાંચ શખ્સો ઝડપાયા
  • વિગતવાર જોઇએ મોરબી 600 કરોડના ડ્રગ્સ કાંડમાં ડ્રગ્સના ધંધાર્થીઓ ઝીંઝુડા સુધી કેવી રીતે પહોંચ્યા

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝબ્બે કરાયા બાદ પકડાયેલા આરોપીઓની કબુલાતના આધારે પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચેલા રૂપિયા 600 કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલનાર હોવાની કબૂલાત આપતા પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓને ગિરફતમાં લેવાયા હોવાનું ATSના સૂત્રો જણાવી રહ્યા છે. વિગતવાર જોઇએ કે મોરબી 600 કરોડના ડ્રગ્સ કાંડમાં ડ્રગ્સના ધંધાર્થીઓ ઝીંઝુડા સુધી કેવી રીતે પહોંચ્યા.

વિશ્વાસમાં લઇને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું
મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જોડીયાનો મુખ્તારહુસેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસેન ઉમર ભગાડ મળી આવ્યો હતો. ત્યારે આ શખ્સો કે જે ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા છે તેના સંપર્કમાં સમસુદીન હુસેનમીયા સૈયદ કેવી રીતે આવ્યો તે સવાલ ઉભો થયો હતો. ત્યારે એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, સમસુદીન હુસેનમીયાં સૈયદની પત્ની જોડીયાની છે અને તેને મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવે બહેન બનાવી છે. જેથી કરીને તે સમસુદીનના ઘેર આવતો જતો હતો અને તેના સંપર્કમાં હતો. જેથી કરીને તેને વિશ્વાસમાં લઇને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતુ.

ઘરમાં આવેલા કોથળામાં ડ્રગ્સ છે તે સમસુદીન જાણતો ન હતો!
ઝીંઝુડા ગામે રહેતા સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડીને 118 કિલો ડ્રગ્સ પકડ્યું છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, સમસુદીનનો આમાં રોલ શું છે? ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂર મોહમ્મદ રાવે કોથળા તેના ઘેર મોકલાવ્યા હતા તે કોથળામાં શું છે? તે ઘરધણી સમસુદીન હુસેનમીયાં સૈયદ જાણતો ન હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, ATSની તપાસમાં હજુ વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.

ઝીંઝુડાથી કરોડો રૂ.નો હેરોઇનનો જથ્થો પંજાબ મોકલાવવાનો હતો
દેવભૂમિ દ્વારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચેલા રૂપિયા 600 કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલનાર હોવાની કબૂલાત આપતા પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓને ગિરફતમાં લેવાયા હોવાનું ATSના સૂત્રો જણાવી રહ્યા છે.

ત્રણેય આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર
પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા પહોંચેલા 118 કિલોગ્રામ હેરોઇનનું કન્સાઇનમેન્ટ મોરબીના ઝીઝુંડા ગામમાં રહેતા સમસુદ્દીન હુસેનમિયા સૈયદના ઘરે પહોંચ્યા બાદ ATS ટીમે 600 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે અને આ ત્રણેય આરોપીઓ 12 દિવસના રિમાન્ડ ઉપર સોપાતા અનેક નવા નવા રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. વધુમાં આરોપીઓ 593 કરોડનું આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.

કબુલાતને પગલે પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા
ડ્રગ્સ આકાઓની કબુલાતને પગલે પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા છે. જેમાંથી પાંચ આરોપીને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પાકિસ્તાનથી કરોડનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલનાર ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા 600 કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ
ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેનો ગુજરાતમાં ઉપયોગ થતો નથી, પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઇ રહ્યો છે.

આ અંગે ATSના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, કરોડોના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે. આરોપીઓ હેરોઇન ઘૂસાડવા માટે વેગનાર કારની પાછળની લાઇટની પાછળ એક ગુપ્ત ખાનુ બનાવ્યું હતું. તે ખાનામાંથી ડ્રગ્સ છુપાવી પંજાબ મોકલવાનું હતું. તેમજ પકડાયેલા ત્રણ આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજુ નુર મોહમ્મદ રાવ, સમસુદ્દીન હુસેનમિયા સૈયદ અને ગુલામ હુસેન ઉમર ભગાડની પૂછપરછ કરતાં ઘણા મોટા ખુલાસા થયા હોવાનું તેમને ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...