જૂથ અથડામણ:સુરેન્દ્રનગરના સુદામડામાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરીંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો
  • બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા
  • એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં અંગત અદાવતમાં બે જૂથ આમને સામને આવી જતા સામસામે હવામાં ફાયરીંગ કર્યા હતા અને ઘરમાં ભરેલી કડબને આગ ચાંપી દીધી હતી. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા છે.

આજરોજ સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી થતાં થયેલા સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ કરતા મામલો તંગ બન્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલીક સાયલા પોલીસ તથા જિલ્લાની બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફ તથા જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી છે અને હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે. જ્યારે આ ઘટનામાં ઇજા પામનારાને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા હતા. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં અજંપાભરી શાંતિ છે.

સુદામડામા અંગત અદાવતમા બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને બાદમાં ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. બે સમાજના જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ વચ્ચે સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.

સામસામે ફાયરીંગની ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સુદામડા ગામે સામ-સામે ફાયરિંગ દરમિયાન 10થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી આઠ લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...