સૂકા મલક તરીકે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ગરમીનું પ્રમાણ સવિશેષ જોવા મળી રહ્યું છે. તેમાં ખાસ કરીને વૈશાખ મહિનામાં સૂરજનારાયણ આકરા પાણીએ જોવા મળતા હોય છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીને પર કરી ગયું હતું અને તેમાં સતત વધારો થતો જતો હતો. ગુરુવારે તો અગનજવાળાઓ વરસી હતી.
તાપમાનનો પારો 44.07 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન ઉપર તેની વ્યાપક અસર થઇ હતી. જિલ્લામાં વૃક્ષોની સંખ્યા ઘણી ઓછી છે તેને કારણે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ઉપરાંત પાટડી, હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં આવેલુ વિશાળ રણ પણ ગરમી માટે કારણભૂત છે. જિલ્લામાં આવેલી પથ્થરોની ખાણો, કાર્બોસેલ તથા સાયલા પંથકમાં આવેલી લિગ્નાઇટોની ખાણોને કારણે પણ તાપમાનમાં વધારો થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હવાની ગતિ અને વાતાવરણમાં ભેજ તાપમાન વધ ઘટમાં મહત્ત્વનું પરિબળ
વાતાવરણમાં હવાની ગતિ અને ભેજનું પ્રમાણ ગરમીના પ્રમાણમાં વધઘટમાં મહત્વનું પરિબળ રહે છે. હવાની ગતિ અને ભેજનું પ્રમાણ ઘટે તો તાપમાન વધે છે. અને હવાની ગતિ અને ભેજનું પ્રમાણ વધે તો તાપમાનમાં ઘટાડો આવે છે. જિલ્લામાં મે માસના પ્રથમ 10 દિવસમાં હવાની ગતિ 10 કિમીનો ઘટાડો અને 19 ટકા ભેજમાં ઘટાડો થયો છે. આથી સીધો ગરમીનો પારો સતત વધવા પામ્યો છે.
ઝાલાવાડમાં આગામી તા.16 સુધી તાપમાન યથાવત્ રહેવાની આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલલા 10 દિવસમાં તાપમાનનો પારો 41.5 ડિગ્રીથી પારો વધી 44.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આમ 3.2 ડિગ્રી તાપમાન વધી ગયું છે. આ ગરમીમાં આગામી સમયમાં પણ વધારો સતત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી તારીખ 16 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પાર 43થી 45 ડિગ્રી આસપાસ રહેશે તેવું જણાવાયુ છે. આથી હજુ ગરમીથી રાહતના આસાર જણાતા નથી.
ચોટીલામાં ગરમીનો પ્રકોપઃ યાત્રિકોમાં ઘટાડો
પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ગરમીનો પારો ચડતા તાપના પ્રકોપની મોટી અસર યાત્રિકોની સંખ્યા ઉપર જોવા મળે છે. છેલ્લા 2 દિવસ દરમિયાન ગરમીની અસરને કારણે ચોટીલા તળેટી વિસ્તારમાં જાણે સ્વયંભૂ કર્ફ્યુ લાદ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. માતાજીના દર્શને આવતા યાત્રિકોમાં ભારે ઘડાડો જોવા મળ્યો છે.
વેકેશન પડવા છતાં લોકો અસહ્ય ગરમીને કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને તાપની અસરને કારણે જનજીવન બેબાકળુ જોવા મળે છે. જેને કારણે ડુંગર પગથિયા પર બપોર બાદ સાંજ સુધી પગથિયા સુનકાર ભાસે છે. સાંજના તાપ ઓછો થાય પછી આંગળીના વેઢે ગણાય તેટલા પ્રમાણમાં યાત્રિકો આવે છે આમ વધતા તાપમાનની અસર યાત્રાધામને પણ પહોંચી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.