તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક રદ:સુરેન્દ્રનગર-વઢવાણમાં ફાયર NOCની નીતિ આ કહેવત જેવી ભેંસ ભાગોળે ને છાશ છાગોળે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારણ કે, ફાયરની કામગીરી માટે ખાસ નિમાયેલા કપડવંજના ફાયર સુપરિન્ટેન્ડેન્ટની 5 દિવસમાં જ નિમણૂક રદ કરાઈ
  • હવે, નવા અધિકારીની નિમણૂક કરાશે ત્યાર પછી બિલ્ડિંગોનો નવેસરથી સરવે કરાશે, ત્યાં સુધી પાલિકા ગૂંચવાયેલી રહેશે

ગુજરાતમાં 9 મીટર ઊંચાઈ ધરાવતી ઇમારતોને ફાયર એનઓસીની લેવાની જરૂર ન હોવાનો રાજ્ય સરકારે નિયમ ઘડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકા પાસે પોતાના વિસ્તારમાં 9 મીટર ઊંચાઈ ધરાવતી ઇમારતો કેટલી છે, તેની કોઈ જ માહિતી નથી. બીજી તરફ ફાયરની કામગીરી માટે નડિયાર-કપડવંજ પાલિકાના ફાયર સુપરિન્ટેન્ડની કરાયેલી ખાસ નિમણૂક માત્ર 5 દિવસમાં જ સરકારે આશ્ચર્યજનક રીતે રદ કરી નાખી છે. એટલું જ નહીં, તેમણે આપેલો સરવે અહેવાલ પણ રદ કરી દેવાયો છે.

નિમણૂક રદ કરવાનો મુદ્દો ચર્ચાની એરણે છે ત્યારે બીજો એક મુદ્દો પણ ઉપસ્થિત થયો છે કે હવે નવા અધિકારીની નિમણૂક કરાશે અને એ અધિકારી આવીને સરવે કરશે, ત્યાર પછી પાલિકાને જાણ થશે કે તેમના વિસ્તારમાં 9 મીટર ઊંચાઈની કેટલી ઇમારતો છે અને તેનાથી વધુ ઊંચાઈને કેટલી ઇમારતોમાં ફાયર એનઓસીની કાર્યવાહી કરવાની રહેશે. ટૂંકમાં, સંયુક્ત પાલિકામાં અત્યારે ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’ જેવો ઘાટ ઘડાયો છે. સંયુક્ત પાલિકાએ 2 મહિનામાં 200થી વધુ એકમને ફાયર એનઓસી લેવા માટે નોટિસો ફટકારી છે જ્યારે અત્યાર સુધીમાં માત્ર 22 યુનિટે ફાયર એનઓસી માટે અરજી જ કરી છે જ્યારે માત્ર 3 હૉસ્પિટલ અને 1 સ્કૂલે કામગીરી ચાલુ કરી છે.

સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં ફાયરની કામગીરી માટે નડિયાદ-કપડવંજ પાલિકાના ફાયર સુપરિન્ટેન્ડેન્ટ દીક્ષિત પટેલની ખાસ નિમણૂક કરાઈ હતી. તેમણે 10 જૂને સુરેન્દ્રનગરમાં 5 જેટલી સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન પણ કર્યું હતું અને કઈ સ્કૂલને ફાયર સેફ્ટી માટે એનઓસી લેવાની જરૂર છે તેની સૂચનાઓ આપી હતી પરંતુ તેના માત્ર 4 દિવસ બાદ 14 જૂને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઝોને તેમનો ઓર્ડર રદ કરી દીધો છે. વધુમાં તેમણે કરેલી કામગીરી પણ રદ કરવાનો આદેશ આપવામાં આવતાં અનેક તર્ક-વિર્તક થયા છે.

સુરેન્દ્રનગર પાલિકામાં હવે ફાયર સેફ્ટીની કામગીરી માટે સરકાર નવા અધિકારીની નિમણૂક કરશે. તે આવ્યા બાદ સરકાર જે નિયમો બનાવશે તે મુજબ શહેરમાં આવેલી હૉસ્પિટલો, સ્કૂલો, બિલ્ડિંગ, રેસ્ટોરન્ટમાં સરવે કરશે. ત્યાર બાદ જે યુનિટ એનઓસીની કેટેગરીમાં આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બિલ્ડિંગ 9 મીટર ઊંચી હશે તેમણે અગ્નિશામક સાધન રાખવાં પડશે
સરકારે ફાયર સેફ્ટી માટે બનાવેલી નવી નીતિ અનુસાર 9 મીટરથી વધુ ઉંચાઈ ન હોય તેવી બિલ્ડિંગને ફાયર એનઓસી લેવાની જરૂર ન પરંતુ તેમણે બિલ્ડિંગના દરેક માળ ઉપર ફરજિયાતપણે ફાયર એક્ટિંગ્વિશર રાખવા પડશે.

ફાયર NOC લેવા માટે શું કરવું
જે યુનિટને ફાયર સેફ્ટીની જરૂર હોય તેને પહેલાં અરજી કરવી પડે છે. ત્યાર બાદ તમામ નિયમોના પાલન સાથે ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવા પડે. જે તૈયાર થઇ ગયા બાદ રાજકોટની ટીમ મોકડ્રીલ યોજી ફાયરનાં સાધનો બરાબર કામ કરે છે કે નહીં, તેની રૂબરૂ તપાસ કરે છે. અને પછી જ એનઓસી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...