વઢવાણ-સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તા પરથી દિવસે દિવસે વાહનો અને રાહદારીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ગેબનશાપીર સર્કલથી આગળ બોડાતળાવના આગળના રસ્તા પર વૃક્ષો નમી જતા અને ડાળીઓ પણ સફેદ પટ્ટા પર આવી જતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ વૃક્ષોની સંખ્યા ઓછી છે. તેમાંય જે વૃક્ષો છે તે પણ પોતાની આયુષ્ય પૂર્ણ થતી હોય તેમ દિવસે દિવસે પોતાના મૂળ આકારથી જમીન પર નમી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર -વઢવાણ તરફના રસ્તા પર પણ કેટલાક વૃક્ષો આવેલા છે. જેમાં વઢવાણ ગેબનશાપીર સર્કલ આગળ બોડાતળાવના રોડ પર આવો જ ઘાટ સર્જાતા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
આ અંગે ભરતભાઈ પંડયા, દેવજીભાઈ પરમાર, મહેશગીરી ગોસ્વામી, પી.સી. જોષી વગેરે જણાવ્યું કે, બંને શહેર માટેનો આ મુખ્ય રસ્તો છે અને દિવસ-રાત વાહનવ્યવહારથી ધમધમી રહ્યો છે. રસ્તાના સફેદ પટ્ટા સુધી વૃક્ષ અને તેની ડાળીઓ પહોંચી ગઇ છે.
કેટલીકવાર વધુ વાહનોનો જમાવડો થતા ચાલીને કે વાહન લઇને રસ્તાની સાઇડમાંથી નીકળવું જોખમ થઇ જાય છે. જ્યારે રાત્રિના સમયે કોઇવાર આ રસ્તા પરની લાઇટો બંધ હોય ત્યારે ચાલકોને વાહન સાથે વૃક્ષોની ડાળીઓ સાથે અથડાઇને અકસ્માતો થાય છે. આથી કોઇ દૂર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વાર યોગ્ય કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.