પાણી ચોરી અટકાવો:સાયલાના થોરીયાળી ડેમની કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના થોરીયાળી ડેમમા જથ્થો ઓછો હોવાના કારણે સાયલાની પ્રજાને ઉનાળામાં પાણી માટે ફાંફા પડે તેવા સંજોગો દેખાઇ રહ્યાં છે. તેમ છતાં પાણીની ચોરી બેફામ બની છે. ઇલેક્ટ્રીક મોટરો મુકી પાણીનો જથ્થો ખેંચતા ખેડૂતોને અટકાવવા સરપંચ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સાયલા ગામની પ્રજા માટે જીવાદોરી સમાન થોરિયાળી ડેમમાંથી સાયલા ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. આ થોરીયાળી ડેમમાં 20 ફૂટમાંથી હાલ માત્ર પાંચ ફૂટ જેટલું પાણી બચ્યું છે. જ્યારે સાયલા માટે રિઝર્વ 8 ફૂટ જેટલું પાણી રાખવાનું હોય છે. આ વર્ષે નહિંવત વરસાદ થયો હાવાના કારણે ડેમમાં પાણીની આવક થઈ નથી. જેને કારણે હાલમાં માત્ર પાંચ ફૂટ જેટલું પાણી બચ્યું છે.

ત્યારે પૂરો શિયાળો અને ઉનાળો બંને હજુ બાકી છે, ત્યારે ડેમમાં હવે પાણીનો જથ્થો પુરતો ન હોવાથી આગામી સમયમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિ દેખાઇ રહી હોવા છતાં કેનાલમાં ટોટીઓ નાંખી ઇલેક્ટ્રીક મોટર મારફત પાણીનો જથ્થો ખેંચવામાં આવી રહ્યો છે. ડેમની અંદર અત્યારે ખેડૂતો દ્વારા અંદાજિત 70 જેટલા મશીન અને ઇલેક્ટ્રીક મોટરો મૂકી પાણીની બેફામ ચોરી કરવામાં આવી રહી છે.

સાયલા ગામના સરપંચ અજયરાજસિંહ ઝાલાને આ બાબત ધ્યાનમાં આવતા તેમના દ્વારા તાત્કાલિક ધોરણે પાણી ચોરી અટકાવવા બાબતે જિલ્લા કલેકટર તેમજ સિંચાઈ વિભાગ અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાયલા ગામની વિસ હજારની વસ્તીને આવનારા સમયમાં પાણી માટે કપરો દિવસ ઉભો થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...