કૃષિનો વ્યવસાય સંપૂર્ણ રીતે પ્રાકૃતિક અને પાંચ મહાભૂતો પર આધારિત છે. ખેતીની જમીન ખરીદી, પાકની વાવણી અને પાકની કાપણી વખતે ઝાલાવાડના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો મહેનતની સાથે સાથે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરી મબલક પાક મેળવી સફળતા મેળવી રહ્યા છે.
એમાય ખેતરમાં ઝાડ રોપવા, સિંચાઇની વ્યવસ્થા, ફાર્મ હાઉસ બનાવવા તેમજ ખેતીના ઓજારો કે ખેતીના વાહનો કે પશુઓનો તબેલો યોગ્ય દિશામાં રાખવાથી ખેતીના પાકમાં સારા પરીણામો પ્રાપ્ત કરી શકાય છે.
ખેતીમાં વાસ્તુશાસ્ત્રના પ્રયોગ અંગે ખેડૂત આગેવાન ધિરૂભાઇ પટેલ જણાવે છે કે, હું ઘણા સમયથી મારા ખેતરમાં વાસ્તુશાસ્ત્રીની સલાહ લઇને મોટાભાગનાં કામ કરૂ છુ. અને એનાથી મને અગાઉ કરતા અનેક ગણો ફાયદો પણ થયો છે. હું આજેય દર વર્ષે વાસ્તુશાસ્ત્રીના જણાવ્યા મુજબ જે તે દિશામાંથી વાવણી કરૂ છુ.
આ અંગે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનાં જાણકાર જીજ્ઞેશભાઇ શાસ્ત્રીએ જણાવ્યું કે, વાસ્તુશાસ્ત્રમાં વિવિધ વિષયોની સાથે સાથે ખેતરમાં પણ વાસ્તુશાસ્ત્રના અમલથી મહત્તમ ફાયદાનો ઉલ્લેખ છે અને હવે આમલોકોની સાથે સાથે જગતનો તાત પણ પોતાના ખેતરમાં વાસ્તુશાસ્ત્રના આધારે કામ કરી મહત્તમ લાભ મેળવી રહ્યો છે.
આ અંગે કૃષિ વિભાગના અધિકારીઓ પણ જણાવે છે કે, ખેડૂતો હવે ખેતીકાર્યમાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ કે, ખૂણામાં વાવેતર કરવાનું હોય ત્યાં પૂજન તથા ઓજારો, બળદગાડાને કે સાંતીને રાખડી બાંધીને ગોળધાણાનો પ્રસાદ કરીને વાવણીની પ્રક્રિયા હાથ ધરાય છે.
વાવણી કે કાપણી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
- નવા પાકની વાવણી શનીવારે કે મંગળવારે કરવામાં આવે તો સારૂં.- ખેતરમાં અગ્નિખૂણામાં એક નાનો હવન કૂંડ બનાવી પહેલી કાંપણીમાંથી થોડું અનાજ અગ્નિમાં સ્વાહા કરીને પાળતું પશુઓને ખવડાવવું જોઇએ.- પાકની વાવણી ઘડીયાળનાં કાંટાની દિશામાં અને એની કોપણી ઘડીયાળનાં કાંટાની વિરૂધ્ધ દિશામાં કરવી.- કાપણી કરતા જો વચ્ચે અમાસ આવતી હોય તો ખેતરના મધ્યભાગમાં પૂર્વ તરફ મોઢું રાખીને ઉભા રહીને નારિયેળ ફોડવું અને આ નારિયેળનાં કડાને ખેતરનાં મધ્યભાગમાં અને ચારેય ખૂણામાં મૂકવા જોઇએ.- ખેતરમાં મંદિર ન હોવું જોઇએ અને હોય તો ખેતરની પશ્રિમ દિશા તરફ હોવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.