ઝાલાવાડમાં શિયાળે ચોમાસુ માહોલ:સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા અને સાયલા પંથકમાં ગુરુવારે મોડી રાતે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વથી પશ્ચિમમાં ફુંકાતા પવનની ગતિ પણ વધી, જીરું, ચણા અને ખેતરમાં ઊભેલા કપાસના પાકને નુકસાનીના ભયથી ખેડૂતો ચિંતિત
  • કમોસમી વરસાદ પડતાં ફાટેલા કાલામાં કપાસ આવી જતાં નુકસાન થવાની શકયતા

વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેમાં ગુરુવારની સાંજથી જિલ્લામાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઇ હતી. મોડી રાતના સમયે સુરેન્દ્રનગર, વઢવાણની સાથે સમગ્ર જિલ્લામાં ભરશિયાળે ચોમાસાનો માહોલ છવાયો હતો. જેમાં ચોટીલા, સાયલા, ધ્રાંગધ્રા સહિતના તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ખાસ કરીને રવી પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.

ઝાલાવાડમાં આ વર્ષે ચોમાસામાં વર્ષનો 154 ટકા વરસાદ પડી ગયો હતો. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીએ પાકનો ઓથ વાળી દીધો હતો. જેમાં જિલ્લાના ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડયો હતો. શિયાળુ પાક સારો લઇને બે પૈસા કમાવવાની ખેડૂતોને આશા હતી. આથી જિલ્લામાં જીરૂ, ઘઉં, શાકભાજી, એરંડા અને ઇસબગુલ સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. વર્તમાન સમયે પાક પણ સારો છે આવા સમયે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે તા.10 અને 11 ડિસેમ્બરે સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાની આગાહી અપાઈ હતી. જે અંતર્ગત ગુરૂવારની સાંજથી જિલ્લામાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઇ હતી. મોડી રાતે સુરેન્દ્રનગર, વઢવાણ, ચોટીલા, સાયલા, ધ્રાંગધ્રા સહિતના મોટાભાગના તાલુકા મથકો તથા ગામડામાં વરસાદ થયો હતો. ખેતરોમાં હજુ પણ કપાસ ઉભો છે જેમાં ફાટેલા કાલામાં કપાસ આવી ગયો છે તેને સૌથી વધુ નુકસાન થવાની શકયતાઓને લઇને ખેડૂતોની ચિંતા વધી છે.

વઢવાણ પંથકમાં કારતકમાં કમોસમી વરસાદ બન્યો વેરી
વઢવાણ તાલુકામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલટા સાથે ભર શિયાળે ચોમાસુ માહોલ છવાતા કાળા ડીબાંગ વાદળો આકાશમાં છવાઇ ગયા હતા. ત્યારે વઢવાણ પંથકમાં કારતકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વઢવાણ તાલુકામાં વરસાદ અચાનક પડતા રસ્તા પર પાણી વહ્યા હતા. જ્યારે ધુમ્મસ અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો અને શહેરીજનો ચિંતામાં મુકાઇ ગયા છે.

એક્સપર્ટ વ્યૂ - જીરુંમાં ફૂગનાશક દવા, તડકો નીકળે પછી કપાસ વિણવો જોઇએ
આ વા વાતાવરણ અને વરસાદી છાંટાને કારણે ખાસ કરીને એકાદ મહિના પહેલા વાવેલુ જીરૂ મોટુ થઇ ગયુ હોય અને પાણ આપી દીધુ હોય તેવા જીરૂ, કપાસ અને શાકભાજીના પાકને સૌથી વધુ નુકસાન થઇ શકે છે. જેમાં જીરૂમાં ભૂકીછારો કે કાળીજરની આવવાની શકયતાઓ વધી જાય છે. જો આ રોગ આવી જાય તો જીરૂના પાકને વધુ નુકસાન પહોચાડી શકે છે. આ માટે ખેડૂતોએ ફુગનાશક દવાનો તાત્કાલિક છંટકાવ કરી દેવો જોઇએ. કપાસ ફાટેલા કાલામાં કપાસ બહાર આવી ગયો છે તે વરસાદને કારણે પલળવાથી બગડી શકે છે. માટે ખેડૂતોએ હાલ થોડો તડકો પડે પછી કપાસ વીણે તો કપાસનો પાક બગડવાની શકયતાઓ ઘટી જાય છે. - જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી

સાયલામાં વરિયાળી- જીરુંના વાવેતરમાં માવઠાથી માઠી દશા
સાયલા તાલુકાના ડોળિયા, સુદામડા અને ધાંધલપુર, નાગડકા સહિત અનેક વ્હેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂ થયો હતો. આથી ખેડુતોએ ખેતરમાં ઊભા કપાસના કારણે ભેજ અને પાણીના પ્રમાણના કારણે કપાસના ભાવ ડાઉન થવાની દહેશત વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...