સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી જતું હોવા છતાં જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા રોષ ફેલાયો છે. અનેકવાર રજુઆતો કરવા છતાં અને મુખ્યમંત્રીએ આપેલા વચનો પણ વ્યર્થ જતા ખેડૂતોની ધીરજ ખુટી છે. જેમાં ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 27 ગામોના સરપંચોએ કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસના મંડાણ કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામે એશિયાનું સૌથી મોટુ પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશનમાંથી નર્મદા જિલ્લામાંથી આવતુ રેવા નદીનું પાણી પમ્પીંગ કરીને રાજકોટ, જામનગર, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘર આંગણે ગંગા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પીવાનું પાણી ન મળતા તેઓમાં રોષ ફેલાયો છે.
અગાઉ આવેદનોપત્રો આપ્યા બાદ ખેડૂત આગેવાનો તા. 18 ફેબ્રુઆરી, 2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ દોઢ માસમાં પાણી આપવાનો વાયદો પણ ખેડૂતોને કર્યો હતો. પરંતુ આ વચનો ઠાલા નીકળતા સરપંચો અને ખેડૂતોએ તા. 19 એપ્રિલના રોજ ફરી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી તા. 7 મેથી ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. છેલ્લી રજૂઆત કર્યાને પણ 15 દિવસ કરતા વધુ સમય થઈ જવા છતાં સરકાર મચક ન આપતા અંતે ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 27 ગામોના સરપંચોએ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે.
જેમાં ખોડુના સરપંચ બુટાભાઈ રબારી, વેળાવદરના સરપંચ ભાણજીભાઈ શેખાવત, રાવળીયાવદરના સરપંચ રતનશી ઠાકોર, રામપરાના સરપંચ રબારી વેરશીભાઈ, રૂપાવટીના સરપંચ ગીરીરાજસીંહ ઝાલા, પાંડવરાના સરપંચ ચકુભા સહિતના લોકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી સામે શરૂ થયેલા પ્રતિક ઉપવાસ ખેડૂતો 10 દિવસ સુધી કરી કુંભકર્ણની નિંદ્રામાં રહેલી સરકારને જગાડશે. તેમ છતાં જો સરકાર નર્મદાનું પાણી સિંચાઈ માટે નહી આપે તો સરપંચોએ આમરણ ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.
કયા-કયા ગામોના સરપંચોએ પ્રતિક ઉપવાસના મંડાણ કર્યા ?
મૂળી તાલુકાના ગામ : ટીકર, દીગસર, પાંડવરા, સરા, જેપર, સરલા, કળમાદ, દુધઈ, કુંતલપુર, લીયા, દાણાવાડા
વઢવાણ તાલુકાના ગામ : રૂપાવટી, નગરા, અધેળી, ખોડુ, પ્રાણગઢ, વેળાવદર
ધ્રાંગધ્રા તાલુકાના ગામ : રાવળીયાવદર, ગુજરવદી, ધોળી, નારીચાણા, મોટા અંકેવાળીયા, અંકેવાળીયા, રામપરા, ભેચડા, ગાજણવાવ, રાયગઢ, દેવચરાડી
સૌની યોજનામાંથી તળાવ, ચેકડેમ ભરવાનું આયોજન : તંત્રસિંચાઈ માટે પાણીની માંગ સાથે ખેડૂતો જ્યારે મુખ્યમંત્રીને મળ્યા હતા ત્યારે દોઢ માસમાં પાણી આપવાનો વાયદો કરાયો હતો. ત્યારબાદ જિલ્લાના 3 તાલુકાના 27 ગામોના સરપંચોને સૌની યોજનામાંથી પાણી માત્ર ચેકડેમ અને તળાવો ભરવા માટે ઉપયોગમાં લેવાતુ હોવાનું લેખિતમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.