તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબુના વાવેતરને અલવિદા:લીંબુના ભાવ ગગડી જતા હળવદ પંથકમાં ખેડૂતો ક્રોધિત, લીબુંડી ઉપર ટ્રેકટર ફેરવી દીધા

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબુના ભાવ ગગડી જતા હળવદ પંથકમાં ખેડૂતો ક્રોધિત, લીબુંડી ઉપર ટ્રેકટર ફેરવી દીધા - Divya Bhaskar
લીંબુના ભાવ ગગડી જતા હળવદ પંથકમાં ખેડૂતો ક્રોધિત, લીબુંડી ઉપર ટ્રેકટર ફેરવી દીધા
  • માથકમાં મોટાભાગના ખેડૂતોએ બબ્બે પાંચ - પાંચ વીઘા લીંબુના વાવેતરને અલવિદા કર્યું

કોરોના મહામારી બાદ લીંબુના ભાવ તળિયે બેસી જતા કંટાળી ગયેલ હળવદ પંથકના લીંબુ પકવતા ખેડૂતો હવે ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી લીબુંડીને કાયમી અલવિદા કરી રહ્યા છે.

હળવદ પંથક લીંબુ ઉત્પાદનનું હબ ગણાય છે,ખાસ કરીને માથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બે થી પાંચ વીઘા સુધીના લીંબુના બગીચા ધરાવે છે અને હાલમાં તમામ ખેડૂતોના બગીચામાં અંદાજે સાતથી આઠ વર્ષના લીંબુના ઝાડ લીંબુથી લુમે ઝૂમે છે પરંતુ લીંબુના ભાવમાં ગાબડા પડી જતા હવે લીંબુની માવજત ખેડૂતોને માથે પડી રહી હોય ઉભા બગીચા ઉપર ખેડૂતો ટ્રેકટર ફેરવી રહ્યા છે.

નવા માથક મહાવીરનગરમાં રહેતા ખેડૂત ઘનશ્યામભાઈ નાગજીભાઈ બારડ કહે છે કે, હાલમાં બજારમાં રૂપિયા 40 થી 150ના પ્રતિમણના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે.જેની સામે એક બાચકી લીંબુ ઉતારવાનો ખર્ચ શ્રમિકને રૂ.70 અને ભાડાના રૂપિયા 60 પ્રતિ બાચકું અને ૧૦રૂપિયા દલાલી ચૂકવતા ખેડૂત પાછળ પ્રતિમણના માત્ર નજીવી રકમ બચે છે. એ જોતાં વીઘે પાંચ હજાર રૂપિયાની પણ કમાણી થતી ન હોય ખેડૂતો લીંબુના બગીચાથી કંટાળી ગયા છે.

લીંબુનો બગીચો ધરાવતા ખુમાનભાઈ હેમુભાઈ જણાવે છે કે હળવદ પંથકના લીંબુ માત્ર ગુજરાત જ નહીં પણ દિલ્હી સુધી જાય છે પરંતુ સાતથી આઠ વર્ષની માવજત કરી ઉછરેલા લીંબુના બગીચામાં સારું વળતર મળતું ન હોય ખેડૂતો હવે લીંબુના પાકથી કંટાળી ગયા છે. અને હવે ક્યારેય લીંબુનું વાવેતર નહિ કરવા નક્કી કરી લીંબુને અલવિદા કર્યું છે.

જ્યારે ખેડૂત મહોબતસિંહ બારડ એ જણાવ્યું હતું કે આઠથી નવ વર્ષના લીંબુના છોડને ઉખેડી નાખતા અમારો જીવ પણ ચાલતો નથી પરંતુ સતત બે વર્ષથી આવી રહેલ ખોટને કારણે ના છૂટકે લીંબુના બગીચા પર ટ્રેકટર ફેરવી દેવા મજબૂર થવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...