તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને રાહત થઇ, પંચાયતના પ્રમુખની મહેનત રંગ લાવી

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને રાહત થઇ, પંચાયતના પ્રમુખની મહેનત રંગ લાવી - Divya Bhaskar
પાટડીની કેનાલમાં રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોને રાહત થઇ, પંચાયતના પ્રમુખની મહેનત રંગ લાવી
  • વારંવારના ગાબડાથી કેનાલના નબળા કામની પોલ ઉઘાડી પડી

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે. ત્યારે રણકાંઠામાં વારંવારના ગાબડાથી કેનાલના નબળા કામની પોલ ઉઘાડી પડવા પામી હતી. આથી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ઉચ્ચ લેવલે રજૂઆત કરાયા બાદ રણકાંઠાની નબળી કેનાલોનું રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.

માળીયા શાખા કેનાલનું પાણી ફક્ત પીવાના જ ઉપયોગમાં લેવાય છે

રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી 631.35 કિ.મી. લાંબી ઝીંઝુવાડા શાખા કેનાલથી રણકાંઠાના અંતરિયાળ 47 ગાંમડાના 18458 ખેડૂતોની 53342 સીસીએ હેક્ટર જમીનને પીયતનો લાભ મળે છે. જ્યારે 160.32 કિ.મી.લાંબી ખારાઘોડા શાખા કેનાલથી રણકાંઠાના 16 ગામડાઓના 6202 ખેડૂતોની 13398 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે. જ્યારે રણકાંઠા વિસ્તારના માલવણ, અખીયાણા અને પીપળી સહિતના ગામોમાંથી પસાર થતી માળીયા શાખા કેનાલનું પાણી ફક્ત પીવાના જ ઉપયોગમાં લેવાય છે. ત્યારે એક બાજુ તંત્ર દ્વારા સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચી ગયા હોવાના દાવાઓ કરાય છે.

કેનાલોના નબળા કામોની પોલ છતી થવા પામી

ત્યારે પાટડી તાલુકામાંથી પસાર થતી કેનાલોમાં છેલ્લા પાંચ વર્ષમાં 20થી વધુ ગાબડાઓના લીધે એકબાજુ ખેડૂતો પાયમાલ બન્યા હતા. જ્યારે બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલી કેનાલોના નબળા કામોની પોલ છતી થવા પામી હતી. આ અંગે રણકાંઠાના ખેડૂતોની વ્યાપક માંગને ધ્યાનમાં રાખીને પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયાએ છેક ગાંધીનગર ઉચ્ચલેવલે રજૂઆત કરવામાં આવ્યા બાદ રણકાંઠાની નબળી કેનાલોનું રીપેરીંગ કામ હાથ ધરાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ ખેંગારભાઇ ડોડીયાએ જણાવ્યું કે, હાલમાં મીઠાઘોડા અને ઓડું શાખા કેનાલનું રીપેરીંગ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અને હું જાતે એનું નિયમીત નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી રહ્યોં છુ.

દસાડા-પાનવા રોડનું રીપેરીંગ કામ હાથ ધરાયું

પાટડી તાલુકાના પાનવા અને દસાડા વચ્ચેના અતિ બિસ્માર અને ઉબડખાબડ રસ્તાના લીધે આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ઉઠાવવાની નોબત આવી હતી. આથી વ્યાપક રજૂઆત બાદ દસાડા પાનવા વચ્ચેના રસ્તાનું રીપેરીંગ કામ સ્ટેટ રોડ વિભાગ દ્વારા હાથ ધરાતા આ વિસ્તારના લોકોમાં અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...