હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂતને વ્યાજે નાણાં આપનાર વ્યાજખોરોએ રૂપિયા 500ના ભાવે કપાસ જોખવી લઈ ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવી લેતા લાચાર ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, આ ચોંકાવનારી ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સવારે 11 વાગ્યે હળવદ તાલુકાના વેગડવાવ ગામેથી મનજીભાઇ પ્રેમજીભાઈ સોનાગ્રા નામના 60 વર્ષીય ખેડૂત ઘેરથી નીકળી ગયા બાદ ઘેર પરત ન ફરતા આકુળ વ્યાકુળ બનેલા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.પરંતુ આજ સવાર સુધી તેમનો કોઈ પતો લાગ્યો ન હતો.
બીજી તરફ આજે સવારે હળવદ જીઆઇડીસી પાછળ આવેલ નર્મદા કેનાલ નજીક ખેડૂત મનજીભાઇ સોનાગ્રાનું મોટરસાયકલ, ચપ્પલ પડ્યા હોવાની જાણ થતા તેમના પરિવારજનો અહીં દોડી આવ્યા હતા અને કેનાલમાં તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરતા માનજીભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના અંગે મનજીભાઇ સોનાગ્રાનાં પુત્રએ પોતાના પિતાજીના આત્મઘાતી પગલાં અંગે વ્યાજખોરોને જવાબદાર ઠેરવ્યા હતા અને બે દિવસ પૂર્વે માથાભારે વ્યાજખોરો 500 રૂપિયાના ભાવે કપાસ જોખી ગયા હોવા ઉપરાંત મોબાઈલ ફોનમાં પણ સતત ધમકી આપી નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કર્યાનું જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.