સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.5માં આવેલી પ્રેરણા હોમ્સ સોસાયટીમાં 10 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આથી રોષે ભરયેલા રહીશો પાલિકા કચેરીએ ધસી આવી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં પાણી, રોડ, ગટર, સફાઇ જેવી સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી હતી.
સુરેન્દ્રનગર પાલિકામાં વઢવાણ પાલિકા ભેળવી સંયુક્ત પાલિકા બનાવાઇ છે. જેમાં હજુ પણ શહેરની છેવાડાની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરના વોર્ડ નં.5માં આવેલી પ્રેરણા હોમ્સ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવે લોકો પરેશાન થતા હતા.
સોમવારે કમલેશભાઇ કોટેચાની આગેવાનીમાં એન.એન.ગોવિંદીયા, એચ.પી.ઝાલા, ચુડાસમા મૌલીક, મયુરભાઇ લાખાણી સહિતના રહીશો સુરેન્દ્રનગર-દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા કચેરી ધસી ગયા હતા. જ્યાં ચીફ ઓફિસર સાગરભાઇ રાડીયાને લેખિત રજૂઆત સાથે ઉગ્ર માગો કરી હતી. જેમાં તેમની સોસાયટીમાં 55થી વધુ પરિવાર રહે છે. અહીં 10 વર્ષ કરતા વધુ સમયથી પ્રાથમિક સુવિધાઓ રોડ, ગટર, પાણી, સફાઇની સુવિધા મળતી નથી. આથી હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતા વધુ પરેશાની થાય છે. આથી વહેલી તકે સમસ્યાઓનો ઉકેલ લાવવાની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.