તંત્રની તાકીદ:જિલ્લામાં ખોટી રીતે એનએફએસએ, બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધરાવનાર સામે કાર્યવાહી કરાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાશન લેવા આવેલા લાભાર્થીઓની લાઇનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાશન લેવા આવેલા લાભાર્થીઓની લાઇનની ફાઇલ તસવીર.
  • નિયમો વિરુદ્ધ કાર્ડ ધરાવતા લોકોને કાર્ડ રદ કરવવા તંત્રની તાકીદ, જિલ્લામાં એપીએલના 1,49,562 કાર્ડધારકો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં સાધન સંપન્ન લોકો પણ રેશનકાર્ડ કઢાવીને તેનાથી મળતા લાભો લેતા હોય છે. આથી જરૂરિયાતમંદો સુધી તે અનાજનો જથ્થો નથી પહોંચતો હોતો. આથી તંત્ર દ્વારા જિલ્લામાં ખોટી રીતે એનએફએસએ, બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધરાવનાર સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર કર્યો છે. આવા નિયમો વિરુદ્ધ કાર્ડ ધરાવતા લોકોના કાર્ડ રદ કરાવવા તંત્રએ તાકિદ કરી છે. જો તેમ નહીં કરાવે તો ધોરણસર કાર્યવાહીની ચીમકી અપાઇ છે.

દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકો જેનો ગરીબી રેખા હેઠળ જીવતા હોય તેમને જીવનજરૂરી વસ્તુઓ મળે તેના માટે સરકાર દ્વારા એનએફએસએ, બીપીએલ અને અંત્યોદય કાર્ડ કાઢી આપવામાં આવતા હોય છે. પરંતુ ઘણી વખત સુખી સંપન્ન લોકો પોતાની આવક અને સંપતિની વિગતો છુપાવીને આવા કાર્ડ કઢાવી લઇ તેના ગેરકાયદેસર રીતે લાભો લેતા હોય છે.

જ્યારે આવા લોકોના કારણે સાચા જરૂરિયાતમંદો સુધી સરકારી સહાય પહોંચતી નથી આથી આવા કાર્ડ ધારકો સામે કાર્યવાહીની બુમરાડો પણ ઉઠી હતી. આથી તંત્ર આવા કાર્ડધારકોને શોધવા અને રદ કરાવવા તખ્તો તૈયાર કર્યો છે.આ અંગે સુરેન્દ્રનગર સીટીમામલતદાર એન.એચ.પરમારે જણાવ્યુ કે શહેરી વિસ્તારમાં અમુક NFSA/BPL/અંત્યોદય કાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતાં જરૂરી માહિતી છુપાવી સરકારશ્રી તરફથી રાહત ભાવે પૂરા પાડવામાં આવતો અનાજનો જથ્થો ખોટી રીતે મેળવી, યોજનાનો ગેરલાભ લેતા હોય છે.

જેથી આવા રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડ રદ કરાવી, સરકારશ્રી તરફથી વિતરણ કરવામાં આવતો અનાજનો જથ્થો જતો કરવા એક જાહેર નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે લોકો નહીં જાહેર કરે તેવા લોકોની તપાસ કરવામાં આવશે અને રદ કરવામાં આવશે.આવા કાર્ડ ધારકો જો ધ્યાને આવે તો જાહેર જનતાને તે અંગેની વિગતવાર માહિતી સુરેન્દ્રનગર શહેર મામલતદારને ખાનગી રાહે મોકલી આપવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

જે લોકો રદ નહીં કરાવે તેમની તપાસ કરાવવામાં આવશે અને ગેરકાયદે જણાશે તો મામલતદાર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એપીએલના 1,49,562 કાર્ડ, બીપીએલના 67,293 અને એએવાયના 18,585 કાર્ડ અને એનએફએસએના 2,35,440 કાર્ડધારકો હાલમાં નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...