વિકાસના કામો વેગ:પાટડી તાલુકાની અત્યંત જર્જરિત 30 ગ્રામ પંચાયત કચેરી નવી બનશે, બામણવા ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહુર્ત કરાયું

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાની અત્યંત જર્જરિત 30 ગ્રામ પંચાયત કચેરી નવી બનશે - Divya Bhaskar
પાટડી તાલુકાની અત્યંત જર્જરિત 30 ગ્રામ પંચાયત કચેરી નવી બનશે
  • દસાડા તાલુકા પંચાયતના યુવા પ્રમુખે જર્જરિત ગ્રામ પંચાયત નવી બનાવવા રજૂઆત કરી હતી
  • સરકાર દ્વારા જર્જરિત પંચાયત કચેરીની યાદી મંગાવવામાં આવી હતી

પાટડી તાલુકાની અત્યંત જર્જરિત 30 ગ્રામ પંચાયત કચેરીને નવી બનાવવામાં આવશે. જે અંતર્ગત બામણવા ગ્રામ પંચાયતની કચેરીને નવી બનાવવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અગાઉ દસાડા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ દ્વારા આ જર્જરિત ગ્રામ પંચાયતની કચેરીને નવી બનાવવા ઉચ્ચ લેવલે રજૂઆત કરાઇ હતી. બાદમાં સરકાર દ્વારા જર્જરિત પંચાયતની યાદી મંગાવવામાં આવી હતી.

દસાડા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ પ્રકાશ ખેંગાર ડોડીયા દ્વારા તાલુકાનો ગામે ગામ પ્રવાસ કરી અત્યંત જર્જરિત અને 25 વર્ષ પહેલા નિર્માણ પામેલી ગ્રામ પંચાયત કચેરી અંગેની સવિસ્તાર યાદી બનાવી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં સરકાર દ્વારા જર્જરિત પંચાયતનો યાદી મંગાવવામાં આવી હતી. અને હવે પાટડી તાલુકાની અત્યંત જર્જરિત 30 ગ્રામ પંચાયત કચેરી નવી બનશે. જે અંતર્ગત બામણવા ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવશે.

પાટડી તાલુકાના સંખ્યાબંધ ગામડાઓની વર્ષો જૂની ગ્રામ પંચાયતો અત્યંત જર્જરિત બનતા પડવાના વાંકે ઉભી નજરે પડતી હતી. આ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિતના સભ્યો અને તલાટી કમ મંત્રી બેસે છે. જેમાં અરજદારોનો દાખલા લેવા કે ગામની વિવિધ સમસ્યાઓની રજૂઆત માટે ધસારો રહે છે. આથી આ જર્જરિત ગ્રામ પંચાયત કચેરીમાં ચોમાસા સહિત આખુ વર્ષ સ્ટાફ ભયના ઓથાર હેઠળ ક‍ામ કરે છે. ત્યારે દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશ ડોડીયા દ્વારા ડીડીઓ સહિત લાગતા વળગતા વિભાગના મંત્રીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત મનરેગા યોજનામાં નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવા મંજૂરી મળતા પછાત રણકાંઠાના અંતરિયાળ ગામડાઓની વર્ષો જૂની સમસ્યાના અંતની આશાથી જે તે ગામના સરપંચ સહિતના ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી હતી.

અહેમદગઢ, મોટી મજેઠી, આલમપુરા, અમનગર, બામણવા, ભડેણા, નગવાડા, ચિકાસર, દેગામ, હાથીપુરા, હરીપુરા, જૈનાબાદ, જરવલા, કઠાડા, કોચાડા, લીંબડ, નાના ગોરૈયા, બુબવાણા, નવરંગપુરા , રામગ્રી, સુશીયા, સુરેલ, ઉપરીયાળા, કામલપુર અને બજાણા સહિતના ગામોની નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવા સમાવેશ કરવામાં આવ્યો છે.

પાટડી તાલુકાના બામણવા ગામે નવીન ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. તેમજ નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ડો.બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ટ્યુબવેલનું ખાતમૂહુર્ત પણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશ ડોડીયા, મહિલા અને બાળવિકાસના ચેરમેન આરતીબેન, જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પરમાર, તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ, પી.કે. પરમાર, કનુ મહેતા, સરપંચ અને ટીડીઓ સહિત ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

દસાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચાર્જ સંભાળ્યા બાદ ગામડાઓની મુલાકાતો દરમિયાન અત્યંત જર્જરિત ગ્રામ પંચાયતોને ધ્યાનમાં લઇ પહેલા 25 ગ્રામ પંચાયત કચેરીની મંજૂરી મળ્યા બાદ પછીથી વધુ પાંચ ગ્રામ પંચાયતો નવી બનાવવાની યાદી મોકલવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા રજૂઆતોને ધ્યાનમાં લઇ જર્જરિત ગ્રામ પંચાયતોની યાદી મંગાવી ટૂંક સમયમાં તાલુકાની 25 જર્જરિત ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત બામણવા ગ્રામ પંચાયત નવી બનાવવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...