ભાવવધારા મુદ્દે બેઠક:છાસવારે ગેસના ભાવ વધતાં 90 દિવસના કરારમાંથી મુક્તિ આપો: ઉદ્યોગકારો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના બજારમાં ટકી રહેવા માટે મથામણ કરી રહેલા થાના સિરામિક ઉદ્યોગ સામે એક પછી એક નવી આફત આવી રહી છે ત્યારે વધુ એકવાર ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો જીકવામાં આવતા ઉદ્યોગકારો ભીંસમાં મુકાઇ ગયા છે. આ માટે બુધવારે ઉદ્યોગકારોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં ગેસ લેતા પહેલાં 90 દિવસ પહેલા જે કરાર કરવાનો થાય છે તેમાંથી મુક્તિ આપવાની માંગ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝાલાવાડની આગવી ઓળખ એ થાનનો સિરામિક ઉદ્યોગ છે. આ ઉદ્યોગને કારણે 50 હજારથી વધુ લોકોની રોજીરોટી ચાલી રહી છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી થાનના સિરામિક ઉદ્યોગને બજારમાં ટકવું મુશ્કેલ બની ગયું છે. જેમાં ખાસ કરીને કાચા માલના ભાવ વધી રહ્યા છે તેની સામે તૈયાર માલના ભાવમાં કોઇ વધારો થયો નથી.

આથી સિરામિક ઉદ્યોગની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે ગેસ કંપની દ્વારા છાસવારે ગેસના ભાવમાં કરવામાં આવેલા વધારાએ ઉદ્યોગકારોની આર્થિક કમર ભાંગી નાખી છે. થોડા દિવસો પહેલાં જ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે 2 દિવસ પહેલા વધુ એકવાર ગેસના ભાવમાં રૂ.10.50નો વધારો જીકી દેવામાં આવ્યો છે. આથી એક કિલો ગેસનો ભાવ છેક રૂ.50.26 રૂપિયા થઇ ગયો છે.મંદીના માહોલમાં ઉદ્યોગકારોને આ વધેલો ભાવ પોસાય તેમ નથી અને આથી જે બુધવારે સિરામિક એકમના માલિકોએ બેઠક બોલાવી હતી.

જેમાં સુરેશભાઇ સોમપુરા, પ્રભુદાસ પ્રજાપતી, દીનુભાઇ ભગત, કિરીટભાઇ પ્રજાપતિ, કાળુભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કંપની છેલ્લાં 3 મહિનામાં કેટલો ગેસ ખરીદશે તેના માટે 90 દિવસ પહેલા કંપની સાથે કરાર કરીને ગેસની વપરાશની સાથે ભાવ નક્કી કરવાના હોય છે. કરાર કર્યા બાદ કંપની તો વધારેલા ભાવનું બિલ આપી દે છે પરંતુ સામે જે માલના ઓર્ડર લીધા હોય તેમાં ભાવ વધારો ન કરી શકવાને કારણે ઉદ્યોગકારોને બેવડો માર પડે છે.

આથી આગામી સમયમાં ગેસ કંપની આ જે 90 દિવસ પહેલા કરાર કરવાનો થાય છે તેમાથી મુક્તિ આપે તેવી રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજ કંપનીને પણ ભાવ ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવશે. થાનના સિરામિક ઉદ્યોગને જોડતા શહેર ફરતા 30 કિમી વિસ્તારના રસ્તાઓ જે ઉબડ ખાબડ છે તેને પણ નવા બનાવવા માંગ કરીને ગાંધીનગર મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...