સુવિધાનો અભાવ:સુરેન્દ્રનગરના પાટડીના 20થી વધુ ગામોમાં આજે પણ એસટી બસની સુવિધા નથી મળતી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોને નોકરી ધંધા માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે દરરોજ ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે

પાટડીથી સાત કિ.મી. દુર આવેલા સડલા સહિતના તાલુકાના વીસથી વધુ ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચિત છે. વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આ ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરીને બહારગામ જવું પડે છે.

વિદ્યાર્થીઓને ભણવા માટે દરરોજ ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે
આ અંગે ગ્રામજનોમાંથી ઉઠતી ફરિયાદ એવી છે કે, સડલા ગામે વર્ષોથી એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી ગ્રામજનો ખાસ કરીને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થાય છે. સડલાના મહિલા સરપંચના પતિ જણાવે છે કે, 2600ની વસ્તી ધરાવતા આ ગામમાં ધોરણ-8 સુધી જ ભણવાની સુવિધા છે. ધોરણ-9થી ઉપરના અભ્યાસ માટે પાટડી જવું પડે છે. સડલામાં વર્ષો પહેલા બસ આવતી હતી પરતુ અગમ્ય કારણોસર બંધ કરી દેવાયેલ છે. જેથી ગ્રામજનોને નોકરી-ધંધા માટે તેમજ વિદ્યાર્થીઓને ભણવા માટે દરરોજ ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે. વિદ્યાર્થીઓ કહે છે કે,

વિદ્યાર્થીઓને ક્યારેક વાહન ન મળે તો સાત કિ.મી. ચાલીને પણ જવું પડે છે
ખાનગી વાહનોની મુસાફરીમાં શાળાએ સમયસર પહોંચાતું નથી. ક્યારેક વાહન ન મળે તો સાત કિ.મી. ચાલીને પણ જવું પડે છે. ગ્રામજનો કહે છે કે, સરકારી કાર્યક્રમ માટે ખાલી બસો દોડાવાય છે, પણ ગ્રામજનોની સુવિધા માટે વર્ષોથી એક બસ મુકવામાં આવતી નથી. આ અંગે મળતી વિગત મુજબ પાટડી તાલુકામાં સડલા ઉપરાંત વીસથી વધુ ગામો એવા છે, જ્યાં આજે એસ.ટી.બસની સુવિધા નથી. પાટડી તાલુકાના જે ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચીત છે, તે ગામોને વિધાનસભાની ચુંટણી પહેલા એસ.ટી. બસની સુવિધા આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...